જરૂરિયાતમંદ લાડકવાયી દીકરીઓ માટે અનોખા સેવા યજ્ઞની શરૂઆત મોરબી : મોરબીના રાતાવિરડા ગામના સરપંચ દ્વારા મોરબી જિલ્લામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર લાડકવાયી દીકરીઓ માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કરી દીકરીઓના લગ્ન ધામે ઘૂમે કરાવીને સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરવા સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે. મોરબી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં રહેતી દીકરી કે જેના માતા-પિતા અથવા બન્નેમાંથી કોઈ એક વ્યક્તિની છત્રછાયા ગુમાવી ચુકેલી જરૂરિયાતમંદ દીકરીઓના પોતાના ખર્ચે લગ્ન કરાવી આપવાની રાતાવિરડા ગામના યુવા સરપંચ અને સમાજસેવાના કાર્યો સાથે જોડાયેલા એવા બાબુભાઈ ચોથાભાઈ પાંચીયાએ જાહેર કર્યું છે. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં સેવાભાવી બાબુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ દીકરીઓના લગ્નનું આ કાર્ય પ્રથમ વખત કરી રહ્યા છે. મોરબી જિલ્લામાં જે દીકરીઓના માતા-પિતા ન હોય અથવા માતા અથવા પિતા ન હોય તેવી દીકરીઓના લગ્ન પોતાના ખર્ચે કરાવી આપશે. હાલ આ માટે બાબુભાઈ પાંચીયા જિલ્લાભરમાં જાતે જરૂરિયાતમંદ દીકરીઓનો સર્વે કરી રહ્યા છે. બાબુભાઈ પાંચીયાએ મોરબી અપડેટને વધુમાં જણાવ્યું હતું કે, જેટલી પણ જરૂરિયાતમંદ દીકરીઓની લગ્ન માટેની નોંધણી થશે તે તમામ દીકરીઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચે પોતે જ ઉઠાવશે. સાથે જ દીકરીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ભેટમાં આપશે. બાબુભાઈ પાંચીયાએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં આવી જરૂરિયાતમંદ દીકરી કે પરિવાર હોય તેઓએ બાબુભાઈ ભરવાડ (મો.નં.- 9724051727), અવચરભાઈ ઉકેડીયા (મો.નં- 87587 96034), જુગાભાઈ ભવાણીયા (મો.નં- 98259 97435), જેઠાભાઈ સાગઠીયા (મો.નં- 97279 69222)નો સંપર્ક કરવો.