તમામ પતંગોના સ્ટોલે જઈ તિરંગાના પ્રતીક સમાન પતંગ એકત્રિત કરી સન્માન સાથે ધરતીમાં સમાવી મોરબી : મકર સંક્રાંતિએ રાષ્ટ્રધ્વજના ચિન્હ સાથે વેચાતી પતંગો બાદમાં કચરામાં જતી હોય ક્રાંતિકારી સેનાએ રાષ્ટ્રધ્વજના ચિન્હ વાળી પતંગો તમામ સ્ટોલ ઉપરથી એકત્રિત કરી સન્માન સાથે ધરતીમાતાના ખોળે સમાવી રાષ્ટ્રપ્રેમ દાખવ્યો હતો. અને નાગરિકોને તિરંગાનું ગૌરવ સમજાવ્યું હતું. ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા ચિન્હ સાથે વેંચતા પતંગ પર પ્રતિબંધ મુકવા માટે અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.છતાં અધિકારીઓએ આ વાત ધ્યાને ન લેતા ક્રાંતિકારી સેના મેદાને ઉતરી હતી.ક્રાંતિકારી સેનાની ટીમે મોરબીના તમામ સ્ટોલ અને હોલસેલ વેપારીને રૂબરૂ મળીને તિરંગાનું ગૌરવ સમજાવ્યુ.એટલું જ નહીં જ્યાંથી તિરંગાવાળી પતંગ મળી ત્યાંથી તમામ પતંગ એકઠી કરી યોગ્ય રીતે અને સન્માન સાથે ધરતીમાં સમાવી હતી. તિરંગા માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને આજે પણ અનેક સૈનિકો બલિદાન આપી રહ્યા છે.તો અધિકારીઓ અને પ્રજા તિરંગાને કેમ ભૂલી શકે? આજના યુગમાં ધર્મ અને જાતિના તેમજ રાજકારણીઓના ઝઘડા વધ્યા છે ત્યારે લોકો તિરંગાને ભૂલી રહ્યા હોવાનું ક્રાંતિકારી સેના જણાવી આગામી સમયમાં તિરંગા ચિન્હ વાળી પતંગો બજારમાં ન વેચાય તે માટે પગલાં ભરવા ફરી માંગ દોહરાવી હતી.