125 જેટલા પક્ષીઓને ઇજા પહોંચી, કરુણા અભિયાન હેઠળ પશુ દવાખાનાની ટીમો અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટે ઘાયલ પક્ષીઓની તત્કાળ સારવાર કરી મોરબી : મોરબી ઉત્તરાયણના પર્વ ઉપર પંતગ રસિયાઓની પતંગ ચગાવવાની મજા પક્ષીઓ માટે મોતની સજા સમાન બની રહી હતી. જેમાં ઉતરાયણમાં કાતિલ દોરીથી 10 પક્ષીઓની જીવનની ડોર કપાઈ હતી અને 7 લોકો ઘાયલ થયા હતા. તેમજ 125 જેટલા પક્ષીઓને ઇજા પહોંચી હતી. આથી કરુણા અભિયાન હેઠળ પશુ દવાખાનાની ટીમો અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટે ઘાયલ પક્ષીઓની તત્કાળ સારવાર કરી હતી. મોરબીમાં ઉત્તરાયણ પર્વ ઉપર કાતિલ દોરીથી ઘવાતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હેઠળ પશુ દવાખાનામાં સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ વન વિભાગ અને કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરી ત્રણથી ચાર પશુ ડોક્ટરની મદદથી ઘાયલ પક્ષીઓને તાત્કાલીક ધોરણે સારવાર કરવામાં આવી હતી. ઉત્તરાયણમાં કાતિલ દોરીમાં ફસાતા 10 પક્ષીઓના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે 125 જેટલા પક્ષીઓ ઘાયલ થતા આ સારવાર કેન્દ્રોમાં ખસેડાયા હતા. જેમાં અમૂકની સારવાર કર્યા બાદ સ્વસ્થ થઈ જતા પક્ષીઓને ગગનમાં વિહરતા કરી દેવામાં આવ્યા છે. જ્યારે બીજા પક્ષીઓ હજુ સારવાર હેઠળ છે. તેમજ બે સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રવાપર રોડ પરના બાપાસીતારામ ચોક પાસે જે તે સ્થળે ઘાયલ પક્ષીઓના મેસેજ મળ્યા બાદ ત્યાંથી અહીંયા સારવાર માટે લાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.