કાર્ડ કઢાવ્યાંના બે વર્ષ બાદ પણ લોકોને કાર્ડ મળ્યા નથી હડમતિયા : બે વર્ષથી વધુ સમય પહેલા ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં જરુરિયાતમંદોના 'આયુષ્માન ભારત કાર્ડ'નું રજીસ્ટ્રેશન કરીને કોન્ટ્રાક્ટ બેઈઝ એજન્સી ડેટા લઈ ગયા હતા.પરંતુ હજુ સુધી ગામલોકોને ન કાર્ડ ન મળતાં આયુષ્યમાન ભારત કાર્ડને કોરોના ભરખી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટંકારા તાલુકાના હડમતિયા ગામે તાલુકા પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટ બેઈઝ એજન્સી દ્વારા કોરોનાકાળ પહેલા એટલે કે બે વર્ષ પહેલા લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.બે વર્ષથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં પોષ્ટના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી 'આયુષ્યમાન ભારત કાર્ડ' જરુરિયાતમંદ પરિવારોના ઘેર પહોંચ્યા નથી.ફરીવાર આવા પરિવારો હાલ ઈ-ગ્રામ હેઠળ ગ્રામપંચાયતમાં કાર્ડ કઢાવવા જતા તમામ ડોક્યુમેન્ટ આપ્યા બાદ વેરિફિકેશન સમયે ફિંગરપ્રિન્ટ આપતા કોમ્યુટરમાં 'already' શબ્દ બતાવે છે.જ્યારે રેશનકાર્ડ કે મોબાઈલ નંબર સર્ચ કરતા કોઈ અન્ય ગામ કે અન્યના નામે બોલતા છબરડો જોવા મળ્યો હતો.હાલ આવા આશરે ૮૦ વ્યક્તિઓના આયુષ્યમાન ભારત કાર્ડના ડેટા અન્યના નામે બોલતા જરુરિયાતમંદ પરિવારોમા ચિંતા પ્રસરી છે. આ મામલે ગ્રામજનો દ્વારા ઉચ્ચ અધિકારી તપાસ કરી જેમ બને તેમ વહેલી તકે જરુરિયાતમંદ પરિવારને ન્યાય અપાવે અન્યથા ટુંક સમયમાં આવા પરિવારો ટંકારા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ ધારણા કરવાની પણ ચીમકી આપી છે.