પાંજરાપોળ, જુદી-જુદી અંધ અપંગ સહિતની ગૌશાળા દ્વારા સ્ટોલ નાખીને માતબર રકમનું દાન એકત્ર કરાયું, ઘણા લોકોએ હરવા ફરવાના સ્થળે ઉમટીને ઉતરાયણની ઉજવણી કરી મોરબી : મોરબીમાં આનંદ-ઉલ્લાસભેર ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોએ મોજ-મસ્તી સાથે પંતગ ચગાવવાનો મનભરીને આનંદ લૂંટયો હતો. જ્યારે પાંજરાપોળ, જુદી-જુદી અંધ અપંગ સહિતની ગૌશાળા દ્વારા સ્ટોલ નાખીને માતબર રકમનું દાન એકત્ર કરાયું હતું. ઘણા લોકોએ હરવા ફરવાના સ્થળે ઉમટીને ઉતરાયણની ઉજવણી કરી હતી. મોરબીમાં ઉત્તરાયણના દિવસે સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશી-ધાબા પર નિર્દોષ મોજ મસ્તીની મહેફિલ જામી હતી. દરેક પરિવારના લોકો, મિત્રો, સ્નેહીજનો તેમજ બાળકો સહિત આખા પરિવાર સાથે ઝીઝરા, તલ-મમરાના લાડુ, અડદિયા સહિતના પાક, જાતજાતની ચીકી, શેરડી, બોર અને જથ્થાબંધ પંતગ દોરી સાથે મકાનના ધાબા ગોઠવાયા હતા. આખો દિવસ ધાબા પરથી પીપૂડાના આવજો સાથે કાઇપો છેની બુમો પડી હતી અને આભની અટારીએ પંતગોનું યુદ્ધ જામ્યું હતું. દરેક લોકો પતંગો ચગાવવાનો આનંદ માણતા આકાશ રંગબેરંગી પંતગોની ભરમારથી છવાઈ ગયું હતું. આબાલવૃદ્ધ સહિત સૌકોઈએ પંતગ પર્વને ઉમંગભેર મનાવ્યું હતું. તેમજ પરિવાર સાથે ધાબા ઉપર ચટાકેદાર ઉંઘીયાની લિજ્જત માણી હતી. લોકોએ હજારો માણ ઊઘયું આરોગ્યું હતું. આ ઉપરાંત ઝીઝરા, તલ-મમરાના લાડુ, અડદિયા સહિતના પાક, જાતજાતની ચીકી, શેરડી, બોર સહિતની ખાદ્યવસ્તુઓનો પણ ભરપેટ આનંદ માણ્યો હતો. જો કે મકરસંક્રાંતિએ દાન પુણ્યનું મહત્વ હોવાથી દરેક લોકોએ ગાય માતાને ઘાસચારો તેમજ અનાજ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જયારે મોરબી પાંજરાપોળ તેમજ અલગ અલગ ગૌશાળા દ્વારા દાનની ટહેલ કરતા લોકોએ મનમૂકીને દાનની સરવાણી વહાવી હતી. સાથેસાથે લોકો પરિવાર સાથે ઝુલતાપુલ સહિતના સ્થળે પણ ઉમટી પડીને હરવા ફરવાની મોજ માણી હતી.