સિરામીક ઉદ્યોગકારો દૈનિક 55 લાખથી વધુ ગેસ યુનિટ વપરાશ કરે તો 106 રૂપિયા લેખે ભાવ ચૂકવવો પડશે : એમજીઓની મુદત એક મહિનાને બદલે 15 દિવસ મોરબી : આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસના ભાવમાં થયેલા વધારાને પગલે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામીક ઉદ્યોગ માટે આપવામાં આવતા ગેસના વપરાશમાં વપરાશ બાંધણું કરી દૈનિક 55 લાખ ક્યુબિક મીટરથી વધુ વપરાશ થાય તો વધારાના ગેસના યુનિટ દીઠ રૂપિયા 106 વસુલવામાં આવશે તેવી ઉદ્યોગકારોને જાણ કરતા ઉદ્યોગકારો ચોકી ઉઠ્યા છે અને તાકીદની બેઠક યોજી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં મોરબીના સીરામીક ઉદ્યોગને પ્રતિ યુનિટ રૂપિયા 61ના ભાવે ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવે છે જેમાં નવા નિયમો અમલી બનાવી અગાઉ જે એક મહિનાનો એમજીઓ હતો તેની જગ્યાએ દર પંદર દિવસ માટે એમજીઓ કરાર કરવા ઉપરાંત હાલમાં જે 55 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ છે તે વધુ ન થાય તે માટે પણ આકરો નિયમ બનાવી જો 55 લાખ ક્યુબિક મીટરથી વપરાશ વધે તો રૂપિયા 106 લેખે વધારાના ગેસનો ચાર્જ વસુલવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું છે. ગુજરાત ગેસ કંપનીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત ગેસ કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયા 35 ડોલરના ભાવે ગેસ ખરીદી રહી હોય ખોટનો ધંધો કરી રહી છે.બીજી તરફ મોરબીમાં દિવસે દિવસે ગેસનો વપરાશ વધી રહ્યો હોય ગુજરાત ગેસ કંપનીને ખોટનો ધંધો પોસાય તેમ ન હોવાથી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને એમજીઓ મુજબ જ વપરાશ કરવા માટે કરારબદ્ધ કરી જો 55 લાખ ક્યુબિક મીટરથી વધુ ગેસ વપરાય તો બજારભાવે ગેસનો ચાર્જ વસુલ કરવામાં આવશે એટલે કે વધારાના વપરાશ ઉપર 106 રૂપિયા ક્યુબિક યુનિટનો ભાવ વસુલ કરવામાં આવશે. વધુમાં ગુજરાત ગેસ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નક્કી કરાયેલ કરારથી વધુ ગેસનો વપરાશ કરવામાં આવી રહ્યો છે જેથી સીરામીક ઉદ્યોગકારો નવેસરથી પોતાનો વપરાશ નક્કી કરે તો તે પ્રમાણે ગુજરાત ગેસ કંપની દ્વારા વપરાશ મર્યાદા વધારી આપવા પણ કંપની તૈયાર છે પરંતુ હકીકતમાં 55 લાખ યુનિટ નક્કી કરી 62થી 65 હજાર યુનિટ ગેસ વપરાતો હોય કંપનીને ઓવરડયુલ પ્રમાણે નુક્શન પહોંચી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. બીજી તરફ આ મામલે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપનીના નવ એમજીઓ નિયમ અને વધારાના ગેસ વપરાશ અંગે ભાવ વધારાને લઈ હાલમાં ઉદ્યોગકારો સાથે વિચાર-વિમર્શ અને મીટીંગનો દૌર ચાલી રહ્યો છે અને સાંજ સુધીમાં ઉદ્યોગકારોનું સ્ટેન્ડ નક્કી થઇ જશે તેમ ઉમેર્યું હતું.