રૂ.28.88 કરોડમાંથી માત્ર રૂ.6.92 કરોડના જ કરવેરા વસુલ્યા : ત્રણ મહિના બાકીના 75 ટકા કરવેરાની વસુલાત થશે કે કેમ ? મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે નાણાકીય વર્ષની કરેવેરા વસુલાતની છેલ્લી ઘડીએ તેજ કામગીરી હાથ ધરાતી હોવાથી કરવેરાનો ટાર્ગેટ અધુરો રહે છે. આખા વર્ષમાં હાથ ઉપર હાથ રાખીને બેસી રહી નાણાકીય વર્ષના એન્ડમાં આગ લગે ત્યારે કૂવો ખોદવાની જેમ તંત્ર આકરી વસુલાત કરે છે. વર્ષોની આ નીતિ આ વખતે પણ જળવાઈ રહેતા નગરપાલિકા દ્વારા માત્ર 9 માસ 25 ટકા જેટલી જ કરવેરાની વસુલાત થઈ શકી છે. આથી હવે બચેલા ત્રણ મહિનામાં તંત્ર બાકીના 75 ટકા કરવેરાની વસુલાત કરી શકશે કે કેમ તેવો સવાલ ઉદ્દભવ્યો છે. મોરબી નગરપાલિકાનું નાણાકીય વર્ષ પૂરું થવાને ત્રણ મહિના જ બાકી રહ્યા છે. ગયા માર્ચે નાણાકીય વર્ષ શરૂ થયું ત્યારે રૂ.28.88 કરોડના કરવેરા અંદાજવામાં આવ્યા હતા.જેમાં ચાલુ વર્ષના રૂ.13.06 કરોડ અને પાછલા વર્ષના રૂ.15.74 કરોડના કરેવેરાનો સમાવેશ થાય છે. મોરબી નગરપાલિકાની હદમાં અંદાજે 75 હજાર મિલ્કતધારકો છે. જેમાં રહેણાંક અને વાણિજ્ય મિલ્કતનો સમાવેશ થાય છે. આટલા મિલ્કતધારકોના રૂ.28.88 કરોડના કરવેરા બાકી હતા. જેમાં વર્ષની શરૂઆતમાં કરેવેરાની વસુલાત શરૂ કરવામાં આવી હતી. પરંતુ નવ માસમાં કુલ રૂ.28.88 કરોડમાંથી માત્ર રૂ.6.92 કરોડના જ કરવેરાની વસુલાત થઈ છે. જેમાં પાછલી વસુલાત જે 15.74 કરોડની બાકી હતી.તેમાં 3.51 કરોડની વસુલાત થઈ છે. જ્યારે ચાલુ વર્ષની 13.06 કરોડની બાકી હતી. તેમાં 3.41 કરોડની જ વસુલાત થઈ છે. આ લોકો પણ સામેથી નગરપાલિકાએ કરેવેરા ભરી ગયા છે. બાકી તંત્રએ અત્યાર સુધી કડક ઝુંબેશ શરૂ કરી નથી. એટલે માત્ર 25 ટકા જ વસુલાત થઈ હોય બાકીના ત્રણ મહિનામાં 75 ટકા કરવેરાની વસુલાત માટે હવે તંત્ર ઉઘામાથે થશે. જો કે હવે નોટિસો આપવાની તજવીજ હાથ ધરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..