મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો નિર્ણય : આવતીકાલથી અમલવારી મોરબી : કોરોનાના વધતા કેસને પગલે રાજ્ય સરકારે નિયંત્રણ વધાર્યું છે. જેમાં લગ્ન અને અન્ય સમારોહમાં 150 લોકોની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. જેની અમલવારી આવતીકાલથી જ શરૂ કરી દેવામાં આવનાર છે. તેવું મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેર કરાયુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારોમાં આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.