રવી વાવેતરમાં જિલ્લામાં હળવદ તાલુકો મોખરે ; સૌથી વધુનું ઘઉંનું 43095 હેકટરમાં વાવેતર મોરબી : મોરબીમાં ચોમાસાની સિઝન ઓછા વરસાદથી ખેડૂતોને ખરીફ પાકમાં ખાસ કંઈ ભલીવાર થતા આ વખતે રવી સીઝનમાં રોકડીયા પાક તરફ ખેડૂતો વળ્યાં છે. ખાસ કરીને ચોમાસામાં શરૂઆતમાં અપૂરતા વરસાદ બાદ પાછોતરો વરસાદ સારો થયો હતો. આથી ખેડૂતોને અમુક અપવાદને બાદ કરતાં સિંચાઈની પણ સુવિધા મળી છે. જેથી રોકડીયા પાક ગણાતા રવિપાકમાં ખેડૂતોને મોજા હી મોજા થઈ ગયા છે. તેમાંય ગયા વર્ષ કરતા આ વખતે રવીપાકનું ઉજળું ચિત્ર સામે આવ્યું છે. મોરબી જિલ્લામાં ગયા વર્ષ કરતા આ વર્ષે રવીપાકનું વાવેતર વધ્યું છે. જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ગયા વર્ષે મોરબી જિલ્લામાં 127389 હેકટરમાં વાવેતર થયું હતું અને આ વર્ષે 138050 હેકટરમાં રવીપાકનું વાવેતર થયું છે. એટલે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10661 હેકટરમાં રવીપાકનું વાવેતર વધ્યું છે.આ વખતે સૌથી વધુ વાવેતર ઘઉંનું થયું છે. જેમાં ગત વર્ષે 36040 હેકટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. આ વખતે વધીને 43095 હેકટરમાં ઘઉંનું વાવેતર થતા ગત વર્ષ કરતા 7055 હેકટરમાં વાવેતર વધ્યું છે. જ્યારે ચણાનું વાવેતર ગત વર્ષ કરતા ઘટ્યું છે. ગત વર્ષે ચણાનું વાવેતર 42315 હેકટરમાં થયું હતું. આ વખતે માત્ર 35125 હેકટરમાં જ ચણાનું વાવેતર થયુ છે. એટલે 7190 હેકટર ઘટ્યું છે. જો કે રાયનું વાવેતર વધ્યું છે.ગયા વખતે રાયનું વાવેતર 1970 હેકટરમાં હતું. ત્યારે આ વખતે 11139 હેકટરમાં વાવેતર થતા ગયા વખત કરતા 9169 હેકટરમાં રાયનું વાવેતર વધ્યું છે. જીરુનું વાવેતર ગયા વખત કરતા 895 હેકટર ઓછું થયું છે. જિલ્લામાં સૌથી વધુ પિયત વિસ્તાર હળવદ હોવાથી આ વખતે પણ રવીપાકમાં હળવદનું સ્થાન મોખરાનું રહ્યું હતું. જિલ્લામાં સૌથી વધુ હળવદમાં 58470 હેકટરમાં વાવેતર થયું છે અને હળવદમાં ઘઉંનું પણ સૌથી વધુ 16480 હેકટરમાં થયું છે. જ્યારે માળીયામાં 7050 હેકટર, મોરબીમાં 28105 હેકટરમાં, ટંકારામાં 25509 હેકટરમાં, વાંકાનેરમાં 19876 હેકટરમાં વાવેતર થયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..