કાર્યક્રમ ઘણો મોડો ચાલુ થતા મંત્રીનું ભાષણ પૂરું થયા બાદ તુરંત જ ખુરશીઓ ખાલી થઈ ગઈ મોરબી : મોરબીમાં સરકારના મહત્વકાંક્ષી સુશાસન સપ્તાહની ઉજવણીમાં સામાન્ય લોકો તો ઠીક આંતત્રિતોને પણ રસ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જેમાં આજે સુશાસન સપ્તાહની ઉજવણીના છેલ્લા દિવસે કાર્યક્રમમાં પણ ફિયાસકો થયો હતો. આ કાર્યક્રમ સત્કાર સમારોહમાં અધવચ્ચે જ સરપંચ-સભ્યોએ ચાલતી પકડી હતી એનું કારણ એ હતું કે એક તો કાર્યક્રમ ઘણો મોડો ચાલુ થયો હતો.તેના કારણે સવારથી બેઠેલા લોકો અકળાઈ ઉઠ્યા હતા. આથી જેવું મંત્રીનું ભાષણ પૂરું થયું કે તરતજ ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી. મોરબીના ટાઉન હોલ ખાતે આજે સરકારની સુશાસન સપ્તાહની ઉજવણીના છેલ્લા દિવસે જિલ્લાની તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અગાઉથી સમરસ થયેલી ગ્રામ પંચાયતના નવા સરપંચનો સત્કાર સમારોહ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ સવારથી નવ વાગ્યાથી બેસાડેલા સરપંચ અને સભ્યો કાર્યક્રમ 10ને બદલે 11 વાગ્યે ચાલુ થતા અકળાયા હતા. આથી મંત્રીનું ભાષણ પૂરું થતા જ રાજ્યકક્ષાનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યા વગર જ મોટાભાગના લોકો ચાલુ કાર્યક્રમેં નીકળી ગયા હતા. જિલ્લાની 303માંથી 71 ગ્રામ પંચાયત સમરસ થઈ હોય આ ગ્રામ પંચાયતોને મંત્રીને હસ્તે રૂ.3.79 કરોડનું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવ્યું હતું. સમરસ થયેલી કુલ 71માંથી 13 મહિલા સમરસ ગ્રામ પંચાયતને રૂ.2.94 કરોડની સહાય અર્પણ કરાઈ હતી.જ્યારે 14માં નાણાંપંચ યોજના હેઠળ પાંચ વર્ષમાં 140 કરોડના કામોમાંથી રૂ.136 કરોડના કામો પૂર્ણ થયા છે. તેમજ 15માં નાણાંપંચ હેઠળ 2021-22માં રૂ.72.28 કરોડના ખર્ચે કુલ 3,359 કામોનું આયોજન હોય જેમાંથી 234 કામો પૂર્ણ થયાનું જાહેર કરાયું હતું. બાકીના 458 કામો ચાલુ હોવાનો દાવો કર્યો છે. પ્રધાનમંત્રી ગ્રામણી આવાસ યોજનામાં 1581 સામે 1083 આવાસના કામો પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..