વર્ષ 2016 કેસમાં મોરબીની સ્પે.પોકસો કોર્ટનો દાખલારૂપ ચુકાદો મોરબી : ટંકારા નજીક વર્ષ 2016માં એક સગીરાને મજૂરી કામની લાલચ આપી અપહરણ કરી ગોંધી રાખીને એક શખ્સે બળજબરીથી વારંવાર દુષ્કર્મ ગુજર્યાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો અને સજ્જડ પુરવાને ધ્યાને લઈને મોરબીની સ્પે.પોકસો કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સમાજમાં સ્ત્રીઓ ઉપર વધતા જતા અત્યાચારના બનાવોને લઈને મોરબીની સ્પે.પોકસો કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ બનાવની હકીકત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ટંકારા તાલુકાના મીતાણા પાસે વાડી વિસ્તારમાં રહીને ખેતમજૂરી કરતા પપ્પુ નારસંગ ભીલ નામનો શખ્સ ગત તા.14/5/2016 ના રોજ વાંકાનેરથી એક સગીરાને વાડીમાં મજૂરી કામની લાલચ આપી બસમાં મોરબી લાવ્યો હતો અને મોરબીથી સગીરાને મિતાણા ગામે વાડી વિસ્તારમાં લઈ જઈને કુકર્મ આચર્યું હતું.જેમાં આ શખ્સે સગીરાને વાડી વિસ્તારની ઓરડીમાં સાત-આઠ દિવસ ગોંધી રાખી વારંવાર તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં સગીરાએ આ બનાવ અંગે જે તે વખતે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ દુષ્કર્મ કેસ મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજય દવેએ ધારદાર દલીલો તેમજ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા રજૂ કરતા મોરબીની સ્પે.પોકસો કોર્ટના જજ એમ.કે ઉપાધ્યાયએ આરોપી પપ્પુ નારસંગ ભીલને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવી તેને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ આરોપીને 30 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત મોરબીની સ્પે.પોકસો કોર્ટે ભોગ બનનારને સરકાર તરફથી રૂ.7 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..