કેનાલ કાંઠેથી બાઈક, ચપ્પલ કપડાં સહિતની વસ્તુઓ મળી આવ્યા બાદ શોધખોળને અંતે મૃતદેહ મળ્યો હળવદ : હળવદના ટિકર ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં એક યુવાને અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જોકે આ યુવાનનું બાઈક, કપડાં, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ કેનાલ કાંઠેથી મળી આવતા સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ બાદ લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ટિકર ગામે રહેતો ધનરાજ દિનેશભાઇ કોળી ઉ.19 નામના યુવાને આજે કોઈ અગમ્ય કારણોસર ગામ પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે હળવદ પોલીસ તેમજ પરિવારજનો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે શોધખોળ બાદ યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.