ભર શિયાળે વાતાવરણમાં અચાનક પલ્ટો, વરસાદી છાંટાથી રોડ-રસ્તા ભીના થયા મોરબી : હવે આમાં સ્વેટર પહેરવું કે રેઇન કોટ ? આવો રમુજી પ્રશ્ન મોરબીવાસીઓના મનમાં ઉદ્દભવ્યો છે. કારણકે શહેરમાં આજે રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક વરસાદી છાંટા શરૂ થયા હતા. જેના કારણે રોડ રસ્તા પણ ભીના થઈ ગયા હતા. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે તેની આંશિક અસર ગુજરાતમાં પણ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. રાજ્યના અમુક વિસ્તારોમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેની અસર મોરબી જિલ્લામાં આજે વર્તાઈ છે. સાંજના અરસામાં હળવદ પંથક બાદ રાત્રીના સમયે મોરબી શહેરમાં વરસાદી છાંટા પડ્યા હતા. ભરશિયાળે મોરબીમાં અચાનક વાતાવરણ પલટી ગયું હતું. સાથે વરસાદી છાંટા પણ પડ્યા હતા. જેના કારણે રોડ રસ્તા પણ ભીના થઈ ગયા હતા. જો કે વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી લોકો પણ અચંબામાં મુકાયા હતા.