શાપર નજીક અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર રેઢું મૂકી ફરાર મોરબી : મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકોનો ત્રાસ હવે હદ વટાવી રહ્યો છે, બે દિવસ પૂર્વે માર્ગ અકસ્માતમાં ત્રણ - ત્રણ લોકોનો ભોગ લેવાયા બાદ ગઈકાલે શાપર રોડ ઉપર બાઈક ચાલક ઉપર ડમ્પર ચાલકે જોટો ફેરવી દેતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જ મોરબી જિલ્લામાં ફેટલ અકસ્માતમાં મોતનો આંકડો 190ને પાર કરી ગયો છે. અકસ્માતના આ ગંભીર બનાવ અંગે ધ્રાંગધ્રા ન્યુ રેલ્વે કોલોની પાછળ કૈલાશનગરમાં રહેતા અને વાળંદકામ કરતા હરેશભાઇ ઠાકરશીભાઇ ખરચરીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 7973ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી હરેશભાઇના ભાઈ હીતેષભાઇ મોટર સાઇકલ નંબર જીજે-03 ડીએલ 8851વાળું લઈને જતા હતા ત્યારે ડમ્પર ચાલકે શાપર ગામની સીમ આમ્રપાલી કોમ્પલેક્ષની સામે ફુલસ્પીડ ડમ્પર ચલાવી હિતેશભાઈ અને તેમના હોન્ડા ઉપર ડમ્પરનો જોટો ફેરવી દેતા હિતેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ડમ્પર રેઢું મૂકી નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..