પાંચેય તાલુકા મથકે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે મતગણના હાથ ધરાશે મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે 197 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. આ તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ચૂંટણી લડતા 504 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું.ત્યારે આવતીકાલે આ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે. આથી સરપંચનો તાજ કોના શિરે ? તે સહિતની મતપેટીમાંથી ખુલનાર જનાદેશને લઈને ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. ખાસ કરીને ચૂંટણીના પરિણામોને લઈને સરપંચ બનવા માંગતા ઉમેદવારોની ઉંઘ હરામ થઈ ગઈ છે. મોરબી જિલ્લાની એક પેટા મળીને કુલ 197 ગ્રામ પંચાયતની ગઈકાલે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 79 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. હાડ થીજવતી ટાઢ વચ્ચે પણ ગ્રામીણ મતદારોએ લોકશાહી પર્વ ઉજવવા માટે મતદાન બુથો ઉપર કતારો લગાવતા ગત 2016ની ચૂંટણી કરતા એકાદ ટકા મતદાન વધ્યું હતું. ગામના જાત જાતના વિકાસ મોડેલ દર્શાવી મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી બનતા તમામ પ્રયાસ કરનાર સરપંચ પદની કુલ 195 બેઠક સામેના 504 દાવેદારો અને વોર્ડના સભ્યોની કુલ 1048 બેઠક સામેના 2210 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે અને ગઈકાલે મતદાન પૂરું થયા બાદ કુલ 405 બુથમાંથી તમામ મતપેટીને નક્કી કરાયેલા રિસીવિંગ એન્ડ ડિસપેચ સેન્ટરમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. દરમિયાન આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતપેટી ખુલવવાની હોય તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે અને તાલુકા વાઇઝ મથકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી માટે રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ-ઘુંટુ, ટંકારા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય, વાંકાનેરના અમરસિંહજી હાઇસ્કુલ, હળવદમાં મોડેલ સ્કૂલ, માળીયામાં મોટી બરાર ખાતેની મોડેલ સ્કૂલ ખાતે જ આવતીકાલે મતગણતરી પ્રક્રિયા પણ હાથ ધરાશે. આ મતગણતરી પ્રક્રિયા માટે જરૂરી સ્ટાફ અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. જો કે સરપંચ ગામના રાજા હોય અને ગામના વિકાસ માટે એમની ચાવીરૂપ ભૂમિકા હોવાથી દરેક ગામમાં નવા સરપંચ કોણ ને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..