મોંઘવારી રોકવા મોદી સરકારનો નિર્ણય : પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ સોયાબીન, પામતેલ અને મગનો પણ સમાવેશ મોરબી : કાળઝાળ મોંઘવારી રોકવા મોદી સરકારે ઘઉંં, ચોખા, ચણા સહિત ૭ ચીજોના વાયદાના વેપાર ઉંપર પ્રતિબંધ મુકી દીધો છે. બજાર નિયામક સેબીએ આજે ઘઉંં, કાચુ પામતેલ, મગફળી અને કેટલીક અન્ય જણસોમાં નવા ડેરીવેટીવ કોન્ટ્રેકટ શરૂ નહી કરવાનો નિર્દેશ આપ્યો છે અને આ નિર્દેશ તત્કાલ અસરથી લાગુ થઈ ગયો છે. ધાન, ઘઉં, સોયાબીન, કાચુ પામતેલ અને મગ માટે નવા કોન્ટ્રાકટની શરૂઆત પર સેબીએ પ્રતિબંધ મુકી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા સટ્ટાબાજી રોકવા ચણા અને સરસવના બીજ અને તેના ડેરીવેટીવના વાયદા વેપાર ઉપર પણ પ્રતિબંધ અમલી બનાવ્યો છે. અગાઉથી જ ચાલી રહેલા કોન્ટ્રાકટના બારામાં કોઈપણ નવો સોદો કરવાની પરવાનગી નહિ અપાઈ અને ફકત સોદો પુરો કરવાની જ પરવાનગી અપાશે. નિવેદન અનુસાર આ નિર્દેશ એક વર્ષ માટે લાગુ થયા છે. ઉલ્લેખનીય છે કે, હોલસેલ મોંઘવારીનો દર ૧૪.૨૩ ટકાને પાર કરી ગયો છે અને મોંઘવારીના આ દરમાં ખાદ્યતેલનું મોટુ યોગદાન રહ્યુ છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થવાથી ઘઉંં, ચોખા, મગના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ખાદ્ય વસ્તુઓની મોંઘવારીનું મોટુ કારણ વાયદાના વ્યાપારમાં તેનો કારોબાર થતો હોય છે. વાયદા કારોબારમાં કાલ્પનિક રીતે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધારી દેવાય છે અને તેની અસર સપોર્ટ માર્કેટ પર પણ પડે છે અને તેથી લોકોને ખાવાપીવાની ચીજો મોંઘી મળે છે. આ મોંઘવારી પર લગામ લગાવવા સરકારે આ ફેંસલો લીધો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..