ઓમિક્રોનના ખતરા વચ્ચે આરોગ્ય તંત્ર સાબદું બન્યું : મતદાન બુથો ઉપર આરોગ્ય તંત્રની 225 ટીમ અને 492નો સ્ટાફ ફરજ ઉપર તૈનાત મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. પરંતુ આ વખતે કોરોના કરતા પણ બિહામણા નવા અવતાર સમાન ઓમીક્રોનનો સૌથી વધુ ખતરો હોવાથી મતદાન દરમિયાન ભીડથી આ મહારોગ કોઈને પણ લાગુ ન પડે એ માટે જિલ્લા આરોગ્ય તંત્રએ ખાસ તકેદારીના પગલાં લીધા છે. મતદાન બુથો ઉપર આરોગ્ય તંત્રની ખાસ ટીમો ફરજ બજાવશે અને મતદાન કરવા આવતા મતદારો માટે હેન્ડ ગ્લોઝ, માસ્ક અને સેનીટાઇઝની વ્યવસ્થા કરી છે. મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આવતીકાલે મતદાનના દિવસે કોરોનાથી લોકોને રક્ષણ આપવા ખાસ આયોજન કરી 225 જેટલી આરોગ્ય ટીમો મેદાનમાં ઉતારી છે અને મતદાન બુથો ઉપર 492 નો આરોગ્ય સ્ટાફને ફરજ ઉપર ખડેપગે રખાયો છે.જેમાં 1350 થર્મલ ગન, 23900 ફેસ સિલ્ડ, 1,14 લાખ માસ્ક, 22800 એનનાઈટીફાઈવ માસ્ક, 27500 રબ્બરના હેન્ડ ગ્લોઝ,7800 સેનીટાઈઝર, 2500 લિકવિડ સાબુ તેમજ દરેક મતદાન મથક દીઠ એક-એક પીપીઈ કીટ, અને જરૂર જણાય ત્યાં વધુ કીટ રાખવામાં આવી છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઇવીએમ મશીન નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે હેન્ડ ગ્લોઝની વ્યવસ્થા કરી ચૂંટનમાં રોકાયેલા શિક્ષક, રેવન્યુ, પોલીસ તમામ સ્ટાફને ફેસ સીલ અને હેન્ડ ગ્લોઝ તેમજ એનનાઇટીફાઈવઃ માસ્ક આપવામાં આવશે. આ કાર્ય માટે દરેક સ્થળે જરૂરિયાત મુજબ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. મતદારો જ્યારે મતદાન કરવા આવે ત્યારે મતદાન બુથ ઉપર હાજર રહેલા આરોગ્ય સ્ટાફ દ્વારા થર્મલ ગન દ્વારા ચેક કરી પછી હેન્ડ સેનીટાઇઝ કરી ગ્લોઝ અપાશે અને આ ગ્લોઝનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરાઈ છે. હાલ જિલ્લામાં કોરોનાનો એક માત્ર કેસ વાંકાનેરમાં એક્ટીવ હોય પણ એ સુરેન્દ્રનગર દાખલ હોય એટલે કોરોનામાં રાહત છે.