પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૨૦મી સુધીમાં સંબંધિત કચેરીને કરવાની રહેશે મોરબી:લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૧ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૩/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૨૦મી ડિસેમ્બર સુધી સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે.સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન ધ્યાને લેવાશે નહી. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબંધીત મામલતદારને અરજી કરવાની રહેશે. મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનાં રહેશે. મહેસુલી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, ગુજરાત વિઘુતબોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડ, સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં રજૂ કરવાના રહેશે જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર દ્વારા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..