સિટી એ ડિવિઝન પોલીસે જુગારધામમાંથી 79,300 રોકડા જપ્ત કર્યા મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારના અખાડા ઉપર છાપો મારી જુગાર રમતા છ જુગારીઓને રોકડા રૂપિયા 79,300 સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગરના મકાન નંબર 57માં જુગારનો અખાડો ચાલતો હોવાની સિટી એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ દેવશીભાઇ કરોતરાને બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પાડતાં દિનેશભાઈ કાનજીભાઈ વ્યાસ જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગારધામ ચલાવતો હોવાનું ખુલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા દિનેશભાઈ કાનજીભાઈ વ્યાસ, ભાવેશભાઈ ઉર્ફે વિજયભાઈ પ્રવીણભાઈ સીતાપરા, જયંતીલાલ રામજીભાઈ કાવર, વાલજીભાઈ ડાયાભાઈ રાજપરા, અમૃતભાઈ કુંવરજીભાઈ જગોદરા અને મગનભાઈ માવજીભાઈ ભાડજાને રોકડા રૂપિયા 79,300 સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.