સગા કાકા - ભત્રીજો અને નિવૃત્ત શિક્ષક ચુનાવી મેદાનમાં :મતદારો મનાવવા પ્રચંડ પ્રચાર ટંકારા : મતદાન દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તાલુકાની સૌથી મોટી 9 હજારથી વધુ મતદારો ધરાવતી ટંકારા ગ્રામ પંચાયત જેમા કુલ 14 વોર્ડ નો સમાવેશ થાય છે ત્યાં સરપંચ બનવા ત્રણ ઉમેદવારો પોતાની પેનલના સભ્યો સાથે મેદાને ઉતર્યા છે. ટંકારા પંચાયત ચુનાવ જ્ઞાતિવાદ કરેલ કામ અને નામ આધારે લડાતું આવ્યુ છે એજ રીતે આ વખતની ચુંટણી પણ લડાઈ રહી છે. ત્યારે આ વખતે સગા કાકા - ભત્રીજો અને નિવૃત્ત શિક્ષક ચુનાવી મેદાનમાં ઉતરતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. મોરબી જિલ્લાની સૌથી મોટી એવી ટંકારા ગ્રામ પંચાયતમાં જ્ઞાતિ વાઈઝ સમીકરણો જોઈએ તો ટંકારા ગ્રામ પંચાયતના મતદારોમાં સૌથી વધુ 2250 જેટલા પાટીદાર, 2000 જેટલા મુસ્લિમ, 1130 જેટલા દેવીપુજક, 500 જેટલા ભરવાડ, 500 જેટલા અનુ. જાતિ, 400 જેટલા કોળી ઠાકોર, ઉપરાંત લોહાણા, સોની, બ્રાહ્મણ, વાણીયા, સુથાર, લુહાર, સાધુ, ગઢવી, રબારી, કડિયા કુંભાર, દરબાર, મોચી, વાણંદ અને ખત્રી સહિતના 2000 જેટલા અને એ ઉપરાંત પણ 250 જેટલા જુદા જુદા સમાજના મતદારો મળી કુલ 9000 થી વધુ મતદારો છે. આ ટર્મમાં ટંકારા પંથકમાં પ્રખ્યાત છાપરી વાળા ઈશાબાપા પુર્વ સરપંચના પુત્ર હબીબ ઈશા સરપંચ પદ માટે મેદાનમાં છે તો એ જ કુટુંબના ઈશાબાપાના પૌત્ર તથા માજી સરપંચ ઈભુભાઈના પુત્ર યુવા એડવોકેટ સિરાઝ અબ્રાણી પણ સરપંચ તરીકે ઉમેદવારી કરતા કાકો ભત્રીજો મેદાનમાં ઉતાર્યા છે તો સામે પાટીદાર સમાજમાંથી નીવૃત શિક્ષક ગોરધનભાઈ ખોખાણી ઉર્ફે માસ્તર ચુંટણી લડી રહ્યાં છે જેથી ખરા ખરીનો ત્રિ-પાખયો જંગ જામ્યો છે. ટંકારામાં ધણા દશકા સુધી સહકારી ક્ષેત્રના ભિષમપિતા વાધજી બોડાના નેજા હેઠળ ચુનાવ થતો આવ્યો છે જેના આશીર્વાદથી કાનાભાઇ સરપંચ પતિ પત્ની બે ટર્મ વટભેર ચુંટાયેલા જે આ વખતે ચુંટણીના રણમેદાનમા ઉતર્યા નથી પરંતુ તેના સાથી મિત્રો ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદારો પણ શાણા થઈ પ્રત્યેક પ્રતિસ્પર્ધી ને તેની સાથે છે નો ખોંખારો ખાઈને આશ્વાસન આપી મન કળાવા દેતા નથી જેથી ભર શિયાળે રીતસરનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..