મંત્રી મેરજા ધારાસભ્ય હતા ત્યારે ખાત મુહૂર્ત થયેલ ગોકુલનગરના પાંચેય રોડના કામ હજુ પુરા નથી થયા મોરબી : મોરબીમાં હમણાં હમણાં ખાતમુહૂર્તની મોસમ ખીલી હોય તેવા માહોલ વચ્ચે દર અઠવાડિયે નગરપાલિકાના કોઈને કોઈ રોડના કે અન્ય કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. પરંતુ ખાતમુહૂર્ત બાદ આવા કામ સામે ધ્યાન અપાતું ન હોય લટકેલા લોકાર્પણ વચ્ચે આવા અધ્ધરતાલ કામોથી લોકો મુશ્કેલી અને અગવડતાઓનો સામનો કરી રહ્યા છે. મોરબી નગરપાલિકા દ્વારા ધારાસભ્યમાંથી મંત્રી બનેલા બ્રિજેશભાઈ મેરજાના હસ્તે દર અઠવાડિયે નવા નવા કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે ત્યારે ગતવર્ષે તા.8જાન્યુઆરીના રોજ ગોકુલનગર કે જે વર્તમાન પ્રમુખનો વોર્ડ છે ત્યાં અલગ - અલગ પાંચ રોડના કામનું ખાત મુહૂર્ત થયું હતું પરંતુ પંચવર્ષીય યોજના જેવા આ કામો પૂર્ણ ન થતા લોકો સુવિધાને બદલે દુવિધાથી પીડાઈ રહ્યા છે. વિકાસકામો દેખાડવાની લાહ્યમાં હાલમાં પાલિકા દ્વારા એક પછી એક વિસ્તારમાં કામોના ખાતમુહૂર્ત તો કરવામાં આવે છે પરંતુ ચીફ ઓફિસરથી લઈ અન્ય અધિકારીઓ આવા કામોને ભૂલી જતા હોવાથી કોન્ટ્રાક્ટરને જલસા વચ્ચે આમ જનતાનો મરો થઈ રહ્યો છે. આ સંજોગોમાં પાલિકા પ્રમુખના વોર્ડ નંબર 11માં એક વર્ષ પહેલા શરૂ થયેલ કામ સત્વરે પૂર્ણ કરી લોકોને ખરા અર્થમાં સુવિધા આપવામાં આવે તેવું સ્થાનિક નાગરિકો ઈચ્છી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..