જીવનમાં ઘટેલી બે કરુણ ઘટનાઓએ ભરતભાઈની દ્રષ્ટિ છીનવી લીધી પરંતુ ખુમારી અકબંધ રહી અંધજનોની યાત્રા માટે આર્થિક સહયોગ કરવા ભરતભાઈનો સંપર્ક કરવા અપીલ મોરબી : દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!, પણ કલરવની દુનિયા અમારી! જાણે આ પંક્તિ સાર્થક થતી હોય તેવું પ્રજ્ઞાચક્ષુ ભરતભાઈનું જીવન છે. ઈશ્વરની ઈચ્છાને સ્વીકારી જીવનમાં બનેલી કરૂણ ઘટનાને હસતા મોઢે સ્વીકારી કોઈ ફરિયાદ વગર જીવવું એ કોઈ વિરલા કે ઉચ્ચ કક્ષાની આત્મા હોય તે જ કરી શકે. પ્રજ્ઞાચક્ષુ મીન ભરતભાઈ મણિલાલ આવી જ વિરલ વિભૂતિ છે. તેમના જીવનમાં બનેલી દુઃખદ ઘટનાઓ વિશે જાણીએ તો જીવનથી હતાશ થયેલા વ્યક્તિઓને જીવન જીવવા માટે પ્રેરણા મળી રહે. મીન ભરતભાઈ મણીલાલને મુંબઈની બીઇંગ સેવર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય માનવતાવાદી સેવક એવોર્ડ-2021 મુંબઈ ખાતે જાહેર કાર્યક્રમમાં આપવામાં આવેલ છે. આમ, તેમના કાર્યને ગુજરાત બહાર પણ પ્રશંસા પ્રાપ્ત થયેલ છે. ભરતભાઈ મણિલાલ મીન મૂળ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાના બ્રાહ્મણ. તેમનું બાળપણ દ્વારકાની ગલીઓમાં વીત્યું. દ્વારકામાં આવેલી જાનને જોવા ભાઈબંધો સાથે ઉભેલા ભરતભાઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેમના જીવનમાં કોઈ કરૂણ ઘટના ઘટશે. જાનૈયાઓએ ફોડેલા ફટાકડાના અવાજ બાદ તેમના કાને શબ્દો પડ્યા કે ભાગો.. આથી, સૌ ભાઈબંધોએ આગળ ભાગવા દોડ લગાડી. ભરતભાઈ પણ ભાગ્યા પણ માનવસહજ કુતૂહલ વશ લોકો શા માટે ભાગે છે તે જોવા પાછળ ફર્યા. એ જ સમયે ફટાકડાના અવાજથી ભડકેલ બળદોના ગાડાનો આગળનો ભાગ ભરતભાઈની ડાબી આંખમાં ખૂબ જ વેગથી લાગ્યો. ભરતભાઈ જ્યારે હોંશમાં આવ્યા ત્યારે તેમણે જાણ્યું કે ડાબી આંખ તેઓ ગુમાવી ચુક્યા છે. હિંમત હાર્યા વગર ભરતભાઈ પોતાનું જીવન પહેલા જેવું જ જીવવા લાગ્યા. ભરતભાઈ ITI જનરલ મેકેનિકલનો અભ્યાસ કરેલ છે. તેઓએ કોન્ટ્રાક્ટર બેઝ પર અમદાવાદ સીવિલ હોસ્પિટલ, સચિવાલય ગાંધીનગરમાં અને અન્ય જગ્યાએ નોકરી કરેલ. ભરતભાઈના મોટાભાઇ બાળપણમાં સીડી પરથી અકસ્માતે પડી જતાં બંને આંખે પ્રજ્ઞાચક્ષુ બન્યા. છતાં હિમત હાર્યા વગર પોરબંદરમાં કોલેજ પૂરી કરી મુંબઈમાં ફિઝીઓથેરાપીનો અભ્યાસ પૂર્ણ કરેલ. જે ભણવામાં ખુબ જ તેજસ્વી હતા. ભરતભાઈ જે એક આંખે દેખાતા હતા, તેઓ જેમ લક્ષ્મણ મોટા ભાઈ રામની સેવા કરતા હતા એવા જ ભાવથી મોટા ભાઈની સેવા કરતાં હતા. જાણે ભરતભાઈની પરીક્ષા હજુ ઈશ્વરે બાકી રાખેલ. ક્રિકેટના શોખીન ભરતભાઈ ક્રિકેટ રમતા હતા. તે દરમ્યાન બેટમેન દ્વારા જોરથી ફટકો મારેલ. દડાનો કેચ કરવા જતાં દડો હાથમાંથી છટકી, સીધી ભરતભાઈની જમણી આંખ પર આવ્યો અને જમણી આંખમાં અંધારું થયું. કુદરતની બે કરુણ ઘટનાથી ભરતભાઇએ બંને આંખો ગુમાવી. પ્રથમ ડાબી આંખ અને ત્યારબાદ ભરતભાઈએ જમણી આંખ ગુમાવી. તેના મોટા ભાઈની બંને આંખો તો અગાઉ જતી રહેલ. આમ, કરૂણ ઘટનાઓની ઘટમાળાને કારણે બન્ને ભાઈઓ પ્રજ્ઞાચક્ષુ બન્યા. સામાન્ય કક્ષાની વ્યક્તિ આવી દર્દનાક ઘટનાઓથી ભાંગી પડે અને જીવન બોજારૂપ લાગે, તે સ્વાભાવિક બાબત છે. પરંતુ ભરતભાઈ મણીભાઈ મીન કંઈક જુદી માટીના માનવી છે. તેને ઈશ્વર પ્રત્યે કોઈ ફરિયાદ નથી કે પોતાના પર આવેલ દુઃખના રોદણાં કોઈ પાસે કહેવાનું તેમના સ્વભાવમાં નથી. ભરતભાઇ તેમના કુટુંબના સભ્યનો આભાર માને છે. દેખતા હતા ત્યારે જે પ્રેમ કુટુંબના સભ્યો આપતા તે જ સ્નેહ પ્રજ્ઞાચક્ષુ થયા બાદ કુટુંબના સભ્યો તરફથી મળેલ છે. કુટુંબની હૂંફ ભરતભાઈને નવી ઉર્જા અને ઉત્સાહ આપે છે. ભરતભાઇ મોરબીની ઓમ શાંતિ શાળાએ 19 વર્ષથી આવે છે. કોઈ પાસે હાથ લંબાવવાને બદલે નાનો-મોટો વ્યવસાય કરી આજની તારીખે પોતાના જીવન માટે રોજીરોટી કમાવવા પ્રયત્ન કરે છે. તે પછી કટલેરીનો વ્યવસાય હોય. શિક્ષકો, પટાવાળા અને ઘણી વખત વાલીઓ પણ તેમની પાસેથી વસ્તુ ખરીદે છે. શાળાના સેવાભાવી શિક્ષક જશવંતભાઈ મીરાણીને ભરતભાઈ પ્રત્યે અનોખી લાગણી છે. ભરતભાઈ પણ શાળાએ જે સમય આવે તે સમયે અચૂક મીરાણીભાઈને યાદ કરે. મીરાણી ભાઈનું કાર્ય એવું કે ભરતભાઈ થેલો ભરીને લાવેલ વસ્તુઓ જોતજોતામાં ધોરણ-૧૧ અને ૧૨ના ધોરણના વિદ્યાર્થીઓમાં વેચી આપે. સમગ્ર ઓમ શાંતિ પરિવારના શિક્ષકો ભરતભાઈની ખુમારી અને સ્વાભિમાનને સેલ્યુટ કરે. જો કે ભરતભાઈને દરેક જગ્યાએ હકારાત્મક અનુભવ થતો નથી. એક શહેરમાં નાસ્તો વેચવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં જતા ત્યાં શિક્ષકો વસ્તુ ખરીદે તેના પર કમિશન રૂપે આચાર્ય મફતમાં પેકેટ લઇ લે. ભરતભાઈ કહે મારે ઘણી વખત નફો થવાને બદલે રૂપિયા ગુમાવવાનું થાય કેમ કે નાસ્તા ઉપર તેમના સ્વભાવ મુજબ ઓછો નફો લઈને વેચાણ કરે છે. તો બીજા એક શહેરમાં ભરતભાઈને શૈક્ષણિક સંસ્થાના આચાર્યે ખૂબ જ મદદ રૂપ બનતા. નાસ્તો વેંચવામાં. પણ શાળાના ટ્રસ્ટીઓ તેમને શાળામાં આવતા અટકાવ્યા, ગેટ પરથી ચોકીદાર જ પ્રવેશ ન કરવા દે. ભરતભાઈ પણ નિરાશ થયા વગર પોતાના પ્રયાસો ચાલુ રાખે. સમાજે પણ ભરતભાઈ જેવા સ્વમાની લોકો જે સમાજને બોજારૂપ બનવાને બદલે સહયોગ આપવો જોઈએ. તેઓ પોતાની આજીવિકા ચલાવવા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વ્યવસાય કરે છે. તેને સહકાર આપવો જોઈએ. લાખો રૂપિયા મોજશોખમાં ખર્ચતા લોકોએ સમાજના ભરતભાઇ જેવા સેવાભાવી લોકોને મદદરૂપ બનવું જોઈએ. ભરતભાઈ પોતાને મદદની જરૂર પડે તેવી સ્થિતિમાં હોવા છતાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને મદદરૂપ બનવા સતત પ્રયત્નશીલ રહે છે. કોઈ પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનને સરકારી પ્રમાણપત્ર કઢાવવાનું હોય તો ભરતભાઈ તેમની સાથે સરકારી ઓફિસમાં જઈ ફોર્મ ભરવાથી માંડી પ્રમાણપત્ર મળે ત્યાં સુધી મદદરૂપ બને. ભરતભાઈનું સૌથી ઉમદા કાર્ય પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો માટે જાત્રાનું આયોજન કરે છે. ઘણા લોકો મદદ કરવાને બદલે ભરતભાઈના શબ્દોમાં જણાવ્યા મુજબ કહે છે કે આંધળાને જાત્રા કરીને શું કામ છે? ભરતભાઈ લાગણીસભર શબ્દોમાં જણાવે છે કે ઈશ્વરે અમને આંખો આપેલ નથી. અમે ભગવાનના દર્શન ન કરી શકીએ તો કંઈ નહિ પરંતુ ઈશ્વરની પવિત્ર ભૂમિ પર અમને પગ મૂકવાની જે તક મળે છે, તેનાથી અમારું જીવન ધન્ય બને છે. અમે ભલે આંખોથી જોઈ શકતા નથી પરંતુ શ્રદ્ધાથી પવિત્ર ભૂમિને અને ઈશ્વરને વંદન કરીએ છીએ. જેમ ભગવાનની મૂર્તિ પથ્થરની હોય પણ લોકો શ્રદ્ધા અને લાગણી તેમની સાથે જોડાઇ છે, તેમ અમે ઈશ્વરની મુર્તિ દેખાતા...