બહારના ડ્રાઇવરોને પોલીસ દ્વારા ખોટી રીતે કરાતી હેરાનગતિ કરતી હોવાની રાવ સાથે જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ મોરબી : બહારના રાજ્યોના ડ્રાઇવરને મોરબી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે રાજસ્થાનના ટ્રક ચાલકે મોરબી પોલીસના વહીવટ રાજ સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં પોલીસે નો એન્ટ્રીમાં ઘૂસ્યો હોવાનું કહી ટ્રક કબ્જે લઈને રૂ 2 હજાર ન આપે તો વધુ દંડની ધમકી આપી ધક્કા ખવડાવતા અંતે રાજસ્થાનના ડ્રાઇવરે એસપી અને ડીવાયએસપીને રજુઆત કરી નિયમ મુજબ દંડ ચૂકવવા તૈયાર હોવાનું જણાવી ગાડી પરત આપવાની માંગ કરી છે. રાજસ્થાન રહેતા ભીંવારામ હરલાલ ગુર્જરએ મોરબી એસપી અને ડીવાયએસપીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તેઓ ગત તા.1 ડિસેમ્બરના રોજ પોતાની જી.જે. 18 એ એક્સ 3198 નંબરનો ટ્રક લઈને ધંધાર્થે રાજકોટથી મોરબી તરફ આવી રહ્યા હતા. જો કે તેઓ રસ્તો પૂછતાં પૂછતાં પોલીસ પાસે ગયા હતા. પણ પોલીસે તેમના ટ્રકને ખોટી રીતે રોકીને તું નો એન્ટ્રીમાં આવ્યો હોવાનું કહીને પોલીસે એક હજાર રૂપિયા માંગ્યા હતા. આથી તેઓએ પૈસા શેના આપવાના તેવું કહેતા ફરજ પરની ટ્રાફિક પોલીસે આ ટ્રકને કબ્જે લઈ લીધો હતો અને છેલ્લા ત્રણ દિવસથી ટ્રક પુરી દીધો હોવાથી રાજસ્થાનના ડ્રાઇવર ગાડી છોડાવવા સતત ધક્કા ખાઈ રહ્યા છે. પોલીસ વધુ રૂપિયાના ઉઘરાણા માટે ખોટી રીતે હેરાનગતિ કરીને મેમો પણ આપતી નથી.જો કે રાજસ્થાનના ડ્રાઇવર નિયમ મુજબ દંડ દેવા તૈયાર છે અને ક્યાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એના દંડની પહોંચ સાથે પૈસા આપવાની તૈયારી બતાવવા છતાં પોલીસ પોતાના ખિસ્સા ભરવા માટે ધરાર નિયમ મુજબ કાર્યવાહી કરવાની ના પાડીને હેરાનગતિ ચાલુ રાખી હતી. આથી આ રાજસ્થાનના ડ્રાઇવરે પોલીસના ઉઘરાણા સામે નમતું જોખ્યાં વગર તેમની સામે જંગ છેડયો છે અને આ બાબતે એસપી અને ડીવાયએસપીને રજુઆત કરીને ન્યાયની ગુહાર લગાવી છે. જો કે તેઓ નિયમ મુજબ દંડ ભરવા તૈયાર છે અને પોલીસની કાયદેસરની કાર્યવાહીથી પોતાની ગાડી છોડાવવા માંગે છે.આથી આ પ્રકરણમાં હવે પોલીસ ક્યાં નિયમન ભંગ બદલ કેટલો દંડ કરે છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સીરામીક ઉધોગ મોટાપાયે વિકસ્યો હોવાથી બહાર રાજ્યોના લોકો પોતાના ટ્રક લઈને ધંધાર્થે મોરબી આવતા હોય છે અને મોરબીમાં રસ્તા જણાતા ન હોવાથી ત્યાં ઉભેલા પોલીસને પૂછે છે.પણ પોલીસે યોગ્ય રાહ બતાવવાને બદલે આવી રીતે ખોટી રીતે પજવણી કરીને પોતાના ખિસ્સા ગરમ કરે તે કોઈ કાળે યોગ્ય નથી. પોલીસની આવી ખોટી હેરાનગતિથી સમગ્ર મોરબીની આબરૂને બટ્ટો લાગે છે. તેથી આવા ગંભીર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તેમના ખાતામાં પેધી ગયેલા આવા સ્ટાફને કાયદાનું અને શિષ્ટાચારનું જ્ઞાન કરાવે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..