ધીમા ઝેર સમાન હવા પ્રદુષણને ખાળવા સહિયારા પ્રયાસ અનિવાર્ય ગત દાયકાથી વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન વિકરાળ રૂપ લઈ ચૂક્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આજે પણ વિશ્વના અનેક દેશોમાં ઠંડી, બરફવર્ષા, ચક્રવાત અને ગરમી સહિતની સમસ્યા ખડી છે. ભારતના અનેક શહેરોમાં પણ હવે પ્રદૂષણ સમસ્યા જટીલ બની ચૂકી છે. દેશના પાટનગર દિલ્હીમાં જ સૌથી વધુ હવા પ્રદુષણ છે. દેશના કોઈપણ મોટા શહેરની હવા શુદ્ધ રહી નથી. એટલે લોકો બુકાની બાંધીને બહાર નીકળવાનું પસંદ કરે છે. જાણે અજાણે હવા પ્રદૂષણ એ દેશની રાષ્ટ્રીય સમસ્યા બની ચૂકી છે. આજે 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ છે. ત્યારે હવા પ્રદુષણ વિષે વાત કરીએ. ભારતના કેટલાય મોટા શહેરોમાં લોકો માત્ર હવામાં ફેલાયેલા પ્રદૂષણને કારણે જ મોતને ભેટે છે. ભારતમાં દરેક ઘરમાં પંખા નીચે ફરતી કે બારી બારણાઓમાંથી ફૂંકાતી હવા ઝેરી છે એવું નથી. પરંતુ ઘરમાં રહેલી હવામાં માનીએ એટલી શુદ્ધતા રહી નથી. ઔદ્યોગિક વિકાસની દોડમાં આગળ વધી રહેલા ભારતમાં સતત નવા નવા કારખાના સ્થપાય છે. જે હવા પ્રદુષણ ફેલાવાનું કામ સૌથી પહેલા કરે છે. દેશમાં હવે તો રાંધણગેસનો વપરાશ વધ્યો છે. ત્યાં તો ઠીક છે, પરંતુ ગામડાઓમાં જલાઉ લાકડાથી ચૂલો પ્રગટે છે. એ ચૂલામાંથી પેદા થતો ધુમાડો છેવટે તો મોતને જ નોતરી આવે છે. ઘરેલું હવા પ્રદુષણની વાત એ કિસ્સામાં વધારે લાગું પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલાઓ લક્કડીયા બળતણથી જ પ્રગટે છે. એનાથી ફેલાતો ધુમાડો ઘર, પડોશ, ગામ, શેરી બધાને અડફેટે લેતો રહે છે. લાકડાઓ બાળવાને કારણે આ ચૂલાઓ પ્રદુષણનું મોટું કારખાનું બન્યા છે. ભારતમાં દેશના ખુણેખુણા સુધી રસોઈ ગેસની સુવિધા પણ નથી પહોંચી એટલે એવા સ્થળે લોકો લાકડા બાળીને ચૂલા પેટાવા મજબૂર છે. લાકડા, ઘાસ, કુચો, છાણા વગેેરનો બળતણ તરીકે ઉપયોગ થતો રહે છે અને તેમાંથી ધુમાડો ફેલાય છે. જેમાં કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુનું પ્રમાણ વધારે હોય છે. એ વાયુઓ શ્વાસ સાથે શરીરમાં જાય એટલે લાંબે ગાળે શરીરને નુકસાન થાય છે અને વહેલું મોત પણ થાય છે. ધુમાડાને કારણે દમ, શ્વાસ, અસ્થામા, ખાંસી જેવી બિમારીનું પ્રમાણ પણ દેશમાં વધી ગયું છે. બહારની હવા તો જોખમી જ હોય. પરંતુ અંદરની એટલે કે ઘરની હવા પણ શુદ્ધ હોય એમ માનવાને કારણ નથી. હવા પ્રદૂષણનો ભોગ બનતા કુલ લોકો પૈકી કેટલાક લોકો ઈન્ડરોર પ્રદૂષણનો ભોગ બનતા હોય છે. જે ગંભીર બાબત લેખી શકાય. કારણ કે પોતાના ઘરમાં રહેલી હવા જ જીવલેણ હોઈ શકે તેવી કલ્પના ખુદ તે ઘરમાં રહેતા લોકોને પણ હોતી નથી. એટલે લોકો તે અંગે હજી પણ જાગ્રત થયા નથી. વળી આઉટડોરનું પ્રદૂષણ સીધું લોકોના નિયંત્રણમાં હોતુ નથી. એમાં કારખાનાઓમાંથી લઈને વાહનોમાંથી નીકળતા ધુમાડા સુધીનું ઘણું બધુ આવરી લેવાય છે. તેના પર કોઈનો વ્યક્તિગત કાબૂ હોતો નથી. પરંતુ ઈન્ડરોર પોલ્યુશન માટે તો માત્રને માત્ર લોકો જ જવાબદાર હોય છે. ડબલ્યુ.એચ.ઓ.ના મતે આ ઈન્ડોર પોલ્યુશન સૌથી વધુ ખતરનાક છે. જ્યારે મૂદ્દો પૃથ્વીના વાતાવરણનો હોય ત્યારે જવાબદારી કોઈએક દેશ પૂરતી મર્યાદિત નથી રહેતી. આ માટે બધાએ સહિયારા અને સદ્ધર પ્રયાસો કરવા જરૂરી બન્યા છે. જો સ્થિતિમાં ખરેખર સુધારો નહીં લઈ આવી શકીએ તો તેના ખતરનાક પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. રોજિંદા જીવનમાં પરોક્ષ રીતે હવા પ્રદૂષણ સામે કરોડો લોકો ઝઝૂમી રહ્યાં છે. ધીમું તો ધીમું પણ ઝેર તો ઝેરનું કામ કરે જ છે. આજે નહીં તો કાલે જો એ તેની ખાળવાનું કામ અતિ કપરું હશે. પર્યાવરણની જાળવણી અને વિકાસની દિશામાં આગેકૂચ કરવી એ સોયમાં દોરો પરોવવા જેવું સમતોલનનું કામ છે. આજે દિલ્હી તેના હવા પ્રદૂષણ માટે કુખ્યાત છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિતના દેશના શહેરો પ્રદૂષિત હવા માટે દિલ્હી સાથે સ્પર્ધા કરશે જ. જટીલ પ્રશ્ન બનેલા હવા પ્રદૂષણ બાબતે હજુ પણ ભારતીય સજાગતા નહીં દાખવશે તો આવનારા દિવસોમાં મુશ્કેલી વધશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..