રાજ્યના કૃષિપ્રધાને માવઠા અંગે ચિંતા વ્યક્ત કરી : નુકશાની અંગે તુરંત સર્વે કરાશે મોરબી : ગુજરાતમાં વધુ એક કમોસમી વરસાદની અસર દેખાઈ રહી છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં માવઠાથી થયેલી નુકસાનીનો અહેવાલ આપવા માટેની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં આ માવઠા દરમિયાન પણ જો ખેડૂતોના પાકને નુકસાન થશે તો તેનો સર્વે કરાવવામાં આવશે અને જરૂરી સહાય આપવામાં આવશે તેવું કૃષિ મંત્રી દ્વારા જાહેર કરાયું છે. રાજ્યમાં ફરી માવઠાની અસર શરૂ થતાં ખેડૂતોના પાકને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે આ અંગે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક છે અને આ મુદ્દે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ ચિંતિત હોવાનું રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું છે. માવઠા અંગે ચિંતા વ્યક્ત કરતા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છે. એટલું જ નહીં તાજેતરમાં ચાર જિલ્લાઓમાં અતિવૃષ્ટિ માટે ખેડૂતો માટે 547 કરોડનું માતબર કિસાન રાહત પેકેજ જાહેર કર્યું હતું ત્યાર બાદ ગઈકાલે અસરગ્રસ્ત 9 જિલ્લાઓ માટે પણ સરકાર દ્વારા 531 કરોડનું પેકેજ જાહેર કરી હોવાની વિગતો આપી હતી. આ તબક્કે તેમણે એમ પણ કહ્યું છે કે હજુ પણ ભવિષ્યમાં આવી કોઈ સ્થિતિ ઊભી થશે તો તેના માટે રાજ્ય સરકાર મદદ કરશે એટલું જ નહીં આ મદદ સર્વેના આધારે કરવામાં આવશે અને ખેતી વિભાગના અધિકારીઓ તેમજ હવામાન વિભાગના અહેવાલોના આધારે માવઠાથી થતી અસરો ઉપર નજર રાખવા આદેશ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું . આ અંગે વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે માવઠા અને કૃષિ પાકની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે જ દિવસથી ખેતીવાડી ખાતું એલર્ટ બની ગયું છે .જોકે તે અહેવાલોના પગલે ખેડૂતોને સૂચના આપી હતી કે પોતાનો માલ વેચવા માટે માર્કેટયાર્ડમાં આવે નહીં અને પોતાનો કૃષિ પાક બગડે નહીં કે પલળે નહીં તેની તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..