જન્મ-મરણ વિભાગમાં જરૂરી પુરાવા રજૂ કરવા જણાવતા કે.કે.પરમારનો પીતો છટક્યો : ક્લાર્કે રજા રિપોર્ટમાં કર્યો ગાળોનો ઉલ્લેખ મોરબી : મોરબી નગરપાલિકામાં કર્મચારીઓની અછત વચ્ચે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે એવા સમયે જ પાલિકા પ્રમુખના પતિદેવ દ્વારા રુઆબ જમાવી જન્મ-મરણ વિભાગના કર્મચારીને ગાળો ભાંડતા હેબતાઈ ગયેલ કર્મચારી 10 દિવસની રજા ઉપર ઉતરી જતા પાલિકામાં હડકંપ મચી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, કર્મચારીએ રજૂ કરેલા રજા રિપોર્ટમાં પણ પાલિકા પ્રમુખના પતિએ ગાળો આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. જો કે, સામાપક્ષે પાલિકા પ્રમુખના પતિએ કર્મચારી કામ ન કરતા હોય કારણદર્શક નોટિસ આપ્યાનું જણાવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી પાલિકામાં જન્મ-મરણ વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્ક મહેશ એન.મહેતાને પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારના પતિ કે.કે.પરમારે જન્મ-મરણના દાખલ માટે ભલામણ સાથે કામ સોંપ્યું હતું પરંતુ તેમાં આધાર પુરાવા ન હોવાથી મહેશભાઈ દ્વારા પુરાવા આપવા જણાવતા પ્રમુખના પતિદેવનો પીતો છટક્યો હતો અને ગાળા -ગાળી કરતા ઓછા કર્મચારીઓ વચ્ચે કામ કરતા ક્લાર્ક મહેશભાઈ મહેતા 10 દિવસની રજા ઉપર ઉતરી ગયા છે અને રજા રિપોર્ટમાં પાલિકા પ્રમુખના પતિની કામકાજમાં દરમિયાનગીરી અને ગાળો આપ્યાનો ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારના પતિ કે.કે.પરમારનો આ બાબતે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં પાલિકામાં કોવીડના અરજદારો મૃત્યુનોંધ માટે લાઈનો લગાવી રહ્યા છે પરંતુ જન્મ મરણ શાખાના કર્મચારી લોકોને ધક્કા ખવડાવતા હોય આજે તેમને ફટાફટ કામ કરવા અને લોકોને ધક્કા નહીં ખવડાવવા તાકીદ કરતા ખોટા આરોપ લગાવી રહ્યા હોવાનો બચાવ કરતા જણાવ્યું હતું કે લોકોની કામગીરી પ્રત્યે ધય્ન ન આપતા કર્મચારીન નોટિસ પણ તેઓએ ફટકારી છે. જો કે, એક વાત તો સ્પષ્ટ છે કે હાલમાં જન્મમરણ વિભાગના કર્મચારીઓ સ્ટાફની તંગી વચ્ચે રાત્રીના નવ વાગ્યા સુધી કામ કરી રહ્યા છે ત્યારે ચૂંટાયેલા મહિલા સદસ્યોના પતિદેવ જન્મ મરણ જ નહીં અન્ય વિભાગોમાં પણ દખલ અંદાજી કરતા હોવાનું જગજાહેર છે ત્યારે આજની ઘટનાથી કર્મચારીઓમાં કચવાટની લાગણી પ્રસરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..