કોરોના મહામારી બાદ નવા અંદાજ, નવા ઉમંગ સાથે ટંકારાના હરબટિયાળી શાળામાં બાળકોને આવકારવામાં આવ્યા મોરબી : બાળકોમાં પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કારોનું સિંચન થાય તે માટે ટંકારા તાલુકાની હરબટિયાળી ગામની શાળાએ એક અનોખો અભિનવ પ્રયોગ હાથ ધરી શાળાએ આવતા બાળકોને હાઈ,હેલ્લોને બદલે જયશ્રી કૃષ્ણ, રામ-રામ, વંદે માતરમ, જય માતાજી જેવા શબ્દોથી આવકાર આપવાની પહેલ કરી છે. વૈશ્વિક મહામારી કોરોનાને પગલે લાંબા સમય સુધી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યા બાદ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 5ના વર્ગોમાં પ્રત્યક્ષ અધ્યયન શરૂ કરતા જ હરબટિયાળી પ્રાથમિક શાળાના પ્રયોગશીલ શિક્ષિકા ગીતાબેન સાંચલાએ શાળાએ આવતા ભુલકાંઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવાની સાથો સાથ જયશ્રી કૃષ્ણ, રામ-રામ, જેવા પરંપરાગત આવકારદાયક શબ્દોથી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન શિક્ષણને કારણે બાળકોમાં પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહેતા બાળકોમાં શેરી રમતો પણ વિસરાય છે ત્યારે હરબટિયાળી શાળામાં બાળકોને શૈક્ષણિક કાર્યના પ્રારંભે બોજરૂપ સીધું જ શિક્ષણ આપવાને બદલે બાળકોને રમતો રમાડી અને બિસ્કિટનો નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. શિક્ષક ગીતાબેન કહે છે કે, હાલના સમયમાં બાળકોને અંગ્રેજી ભણાવવાની ઘેલછામાં આપણી સંસ્કૃતિ ભૂલી હાઈ -હલ્લો બોલતા થયા છે અને કેટલાક બાળકો તો જયશ્રી કૃષ્ણ જેવા શબ્દો બોલવામાં પણ શરમ અનુભવે છે ત્યારે બાળકોમાં કાઠિયાવાડની અસલી આગતા સ્વાગતનો ભાવ ખીલે તે માટે જય શ્રીકૃષ્ણ, રામ-રામ જેવા પરંપરાગત સ્વાગત શબ્દોનો પ્રયોગ શરૂ કરાયો છે જે બાળકોને પણ ખુબ જ પસંદ પડ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..