જિલ્લામાં આવતીકાલે બુધવારે 165 સ્થળે કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોનાને નાથવા માટે રસીકરણ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આવતીકાલે બુધવારે મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 165 સ્થળે કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ અને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવશે. કોરોના રસીકરણની શરૂઆતથી જ મોરબી જિલ્લામાં રસીકરણની કામગીરી ખૂબ જ અસરકાર રીતે ચાલી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોના રસીકરણનું સુચારું આયોજન કરીને લોકોને કોરોના સામેની લડાઈમાં સુરક્ષાકવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસથી કેસમાં નજીવો વધારો જોવા મળતાં આરોગ્ય વિભાગે પણ કોરોના રસીકરણની ઝુંબેશને વધુ ઝડપી બનાવી છે. ત્યારે આવતીકાલે બુધવારે મોરબી જિલ્લામાં મેગા રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 165 સ્થળે રસીકરણ કરવામાં આવશે. આ 165 સ્થળોમાં મોરબી તાલુકાના 54 સ્થળો, માળીયા તાલુકાના 15 સ્થળો, વાંકાનેર તાલુકાના 44 સ્થળો, ટંકારા તાલુકાના 20 સ્થળો, હળવદ તાલુકાના 32 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 16390 કોવિશિલ્ડ રસીના ડોઝ અને 3800 કોવેક્સિન રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.