મકાનમાં દારૂનો જથ્થો ઉતારનાર ત્રણ આરોપી ફરાર : રૂ.1.16 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી : માળીયા તાલુકામાં મોટા દહીંસરા ગામે ત્રણ ઈસમો દ્વારા બુલેટ મોટર સાયકલ ઉપર દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવામાં આવતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી દેશી, વિદેશી દારૂ અને બિયર સહિતનો કુલ 1.16 લાખ રૂપિયાનો મૂળમાલ ઝડપી લીધો હતો. જો કે દારૂનો વેપલો કરનાર ત્રણેય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. મોરબી એલસીબી ટીમને સચોટ બાતમી મળી હતી કે, માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે અજયસિંહ ભાવુભા જાડેજા, મોરબીનો જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઇ કંસારા સાથે મળી મોટા દહીસરા ગામે જાગનાથ મંદીર પાસે આવેલ જલ્પેશ ઉર્ફે જયદિપ ઉર્ફે દીપક કરશનભાઇ કોઠીવારના વાડાના મકાનમાં બુલેટ ઉપર ભારતીય બનાવટનો અંગ્રેજી તથા દેશી દારૂનો જથ્થો સંતાડી તેનું ગેર કાયદેસર વેચાણ કરે છે. ઉપરોક્ત હકીકતને આધારે દરોડો પાડતા સ્થળ ઉપરથી રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-36 કી.રૂ.18720, હેવર્ડ -5000સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-166 કી.રૂ.16600, દેશી દારૂ લી-45 કી.રૂ.900, બુલેટ મોટર સાયકલ કિંમત રૂ.75000 તેમજ વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.5000 મળી કુલ રૂ.1,16, 220 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં એલસીબી ટીમે દેશી, વિદેશી દારૂ અને બિયર પકડાવા મામલે અજયસિંહ ભાવુભા જાડેજા રહે.મોટા દહીસરા, જલ્પેશ ઉર્ફે જપો વિનુભાઇ કંસારા મુળ રહે. મોટા દહીસરા, હાલ મોરબી અને જયદિપ ઉર્ફે દીપક કરશનભાઇ કોઠીવાર રહે. મોટા દહીસરાવાળા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. દરોડાની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ. પુથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુંગસીયા, સતીષભાઇ કાંજીયા વગેરે દ્વારા કરેલ હતી.