નવાપરા તરીકે ઓળખાતા વિસ્તારને ગ્રામ પંચાયત મળતા સ્થાનિકોને વિકાસની આશા ટંકારા : ટંકારા–જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓ હવે આર્યનગર ગામથી ઓળખાશે. અલગ ગ્રામ પંચાયતને મંજૂરીની મહોર લાગી હોવાથી નવા ગામનું નામ મહર્ષિ દયાનંદ સરસ્વતીને ધ્યાનમાં રાખીને આર્યનગર પાડયું છે. છેલ્લા બે દશકાથી આ વિસ્તારથી સુવિધા અને સગવડ જાણે સો ગાંવનું છેટું છે, પરંતુ હવે તે વિસ્તારમાં એકધારા વિકાસને વેગ મળશે. આ તકે સ્થાનિક લોકોએ બ્રિજેશ મેરજા અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે. ટંકારા શહેરની બોર્ડર ઉપર વસેલી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી 17 સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા 1200 જેટલા રહીશો દ્વારા અલગ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ ઉઠાવી હતી. જેથી, સ્થાનિક સમસ્યાનું સમાધાન કરી શકાય ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા દયાનંદ સરસ્વતી ઋષિની ભૂમિને શોભે એવું ગામનું આર્યનગર નામકરણ કરી નવી પંચાયતને મંજુરીની મહોર મારી છે. આ નવા ગામમાં હરીઓમનગર-1, હરિઓમનગર-2, બાલાજી પાર્ક, ક્રિષ્ના પાર્ક, ધર્મભકિત સોસાયટી, અયોધ્યાપૂરી સોસાયટી, દેવનગર, રાજધાની પાર્ક, સ્વામીનારાયણ નગર, અવધ પાર્ક, આર્યનગર, પ્રભુનગર સોસાયટી, સરદારનગર-1, સરદારનગર-2, સરદારનગર-3, શ્યામ પાર્ક, મહાલક્ષ્મી પાર્ક સહિતની સોસાયટીઓનો સમાવેશ થયો છે. આ સોસાયટીઓની વસ્તીનું એકત્રીકરણ કરતા 1200 લોકો જેટલી વસ્તી થાય છે. અત્યાર સુધી જબલપુર ગામના નવાપરા વિસ્તાર તરીકે જાણીતી આ સોસાયટીઓને હવે નવા ગામની ઓળખ મળી છે. સ્થાનિક આગેવાન નાનજીભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગુજરાત નહીં વિશ્વના ગૌરવ એવા દયાનંદ સરસ્વતીને શોભે તેવા નામકરણ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..