હળવદમાં ભાજપી શાસકોનો કાન આમળતા પ્રદેશ ભાજપના અગ્રણી હળવદ : હળવદ શહેરના પ્રવેશદ્વારે જ લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારા છવાતા નગરપાલિકામાં ભાજપ શાસનમાં પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી હોવાનુ જણાવી પ્રદેશ ભાજપ આગેવાને પાલિકાના સતાધીશોનો કાન આમળતા તરેહ તરેહની ચર્ચા ઉઠી છે. શહેરમાં આવેલ દશામાના મંદિરથી ત્રણ રસ્તા સુધીના મુખ્ય રોડ પરની મોટાભાગની સ્ટ્રીટલાઇટો પાછલા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા આ બાબતની રજૂઆત અનેકવાર ભવાનીનગર, પંચમુખી તેમજ સુનિલ નગરમાં રહેતા રહીશોએ પાલિકા તંત્રને કરી હતી પરંતુ આજ દિન સુધી અંધારા ઉલેચાયા નથી. દરમિયાન હળવદની આ સ્થિતિ મામલે પ્રદેશ ભાજપના યુવા નેતા નયનભાઈ પટેલે પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી શહેરમાં પ્રવેશતા જ અંધારાથી ભાજપની પ્રતિષ્ઠાને બટ્ટો લાગી રહ્યો છે. સાથે સાથે ખાસ કરીને મોડી સાંજે અને વહેલી સવારે અહીંથી ચાલવા નીકળતા શહેરીજનોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે જેથી વહેલી તકે બંધ પડેલી સ્ટ્રીટલાઇટો ચાલુ કરવામાં આવે અને અહીંથી પસાર થતા લોકોની તેમજ વાહન ચાલકોની સમસ્યાનો હલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ્યારે નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી હળવદની મુલાકાતે આવ્યા હતા ત્યારે રાતોરાત આ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દેવાઈ હતી પરંતુ ત્યાર પાછી વળી પાછી લાઈટો બંધ પડી જતા હજુ સુધી આ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાઈ નથી જેથી હવે જોવાનું એ રહ્યું કે ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશોના ભાજપના જ પ્રદેશ યુવા નેતાની રજુઆત ધ્યાને લે છે કે રજૂઆતનો કાગળ કચરાપેટીમા ફગાવે છે.