ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર, 21મી ડીસેમ્બરે મત ગણતરી : આચાર સંહિતાનો અમલ શરૂ મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. મોરની જિલ્લાની 320 સહિત રાજ્યની કુલ 10117 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે જાહેર થઈ ગઈ છે. જેમાં મતદાન તા. 19 ડીસેમ્બરના રોજ યોજાનાર છે. વધુમાં 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી પણ યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી હોવાનું જાહેર કર્યું છે. રાજ્યમાં કુલ 10882 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસહિતા પણ લાગુ થઇ ગઈ છે. ચૂંટણીની જાહેરાત તા.22 નવેમ્બર એટલે કે આજ સાંજ 4 વાગ્યે થઈ છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. 4થી ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ 6 ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન તમામ ગ્રામપંચાયતમાં યોજાશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જે બાદ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. 24 તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. મતદાન વખતે ચૂંટણી ઓળખકાર્ડ રજૂ કરવું પડશે. કોરોના નિયમનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે. સમરસ ગ્રામપંચયાત પર કોઈ ચૂંટણી થશે નહીં તેવી જાહેરાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 22 નવેમ્બર : ચૂંટણી જાહેરાત 29 નવેમ્બર : નોટીસ અને જાહેરાનામાં પ્રસિદ્ધ કરવાની તારીખ 4 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાની તારીખ 7 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 19 ડિસેમ્બર : મતદાનની તારીખ ( સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી) 20 ડિસેમ્બર : જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ 21 ડિસેમ્બર : મતગણતરીની તારીખ 24 ડિસેમ્બર : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ