માવા-ફાકીના પૈસાની બબાલમાં તલવાર, ધોકા અને પાઈપથી હુમલો : એક મહિલા સહિત છ શખ્સો સામે ખૂની હુમલાનો ગુનો નોંધાયો મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં ગુરુવારે રાત્રે માવા-ફાકીના પૈસા મામલે છ શખ્સો તલવાર ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે દુકાનદાર પરિવાર ઉપર તૂટી પડ્યા હતા. આ ખૂની હુમલામાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે છ શખ્સો સામે ખૂની હુમલો અને રાયોટિગનો ગુન્હો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં રહેતા વેલજીભાઈ નથુભાઈ શેખવા (ઉ.વ.55) એ તેજ ગામમાં રહેતા ચુનીલાલ વધોરા, કાંતાબેન ચુનીલાલ વધોરા, સુરેશ ચુનીલાલ વધોરા, રાકેશ ચુનીલાલ વધોરા, મોહન રવજી વધોરા, હસું મોહન વધોરા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, પ્રેમજીનગરમાં આવેલ મોહન રવજીની દુકાન પાસે ગતરાત્રે 11 વાગ્યાની આસપાસ એક આરોપીએ ફરિયાદીના દીકરાના ગુલાબભાઈની દુકાનેથી બે દિવસ પહેલા માવા-ફાકી લીધા હોય જેના પૈસા માંગતા મામલો બીચકાયો હતો. ઉશ્કેરાયેલા તમામ આરોપીઓ તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારોથી સાહેદ જયેશભાઇ અને સુનિલભાઈ ઉપર હુમલો કરી માથા તેમજ શરીરે આડેધડ માર માર્યો હતો.તેમજ આરોપીઓએ સાહેદ ગુલાબભાઈને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર તલવાર અને ધોકા પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ધવાયેલા ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..