ઝીંઝુડાથી ઝડપાયેલા આરોપીઓએ રિમાન્ડમાં આપેલ કબુલાતને આધારે દ્વારકાના નાવદ્રામાં છુપાવેલ 24 કિલો ડ્રગ્સ જપ્ત કરતું એટીએસ મોરબી : મોરબીના ઝીંઝુડા ગામેથી એટીએસ દ્વારા રૂપિયા 593 કરોડનું 118 કિલોગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ ઉપર લેવાતા પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા આરોપીઓની કબુલાતને આધારે દ્વારકાના નાવદ્રા ગામેથી રૂપિયા 120 કરોડની કિંમતનું 24 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરાયું છે. ઉપરાંત આ ડ્રગ્સ પૈકી 12 કિલોગ્રામ જથ્થો રાજસ્થાન મોકલાયો હોય જોડિયા અને રાજસ્થાનના વધુ ત્રણ ઇસમોને ગિરફતમાં લેવાયા છે. પાકિસ્તાનની હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહેલ છે, જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રગ્ઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટીક્સ ડ્રગ્ઝના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે ત્યારે એ.ટી.એસ. ગુજરાતની ટીમે મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરી 118 કિલો હેરોઈનનો જપ્ત કરેલ હતું. આ કન્સાઈનમેન્ટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ.593.25 કરોડની છે. રેડ દરમ્યાન મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ઉ.વ. ૩૯ રહે. બસ સ્ટેન્ડ રોડ,મેઇન બજાર, જોડીયા, જી. જામનગર, (ર) સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ. ૩૭ રહે. ઝીંઝુડા, તા. મોરબી, જી. મોરબી અને ગુલામ હુસૈન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમી દ્વારકાની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીઓને મોરબી જીલ્લાના સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ રજૂ કરતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓના ૧૨ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર થયેલ છે. વધુમાં આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્ઝ સ્મગલર્સની સંડોવણી ખૂલવા પામેલ છે. આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી 12 કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો એવા અંકિત જાખડ અને અરવિંદ યાદવને કરેલ હતી. ત્યારબાદ બાકીના ડ્રગ્ઝની ડીલીવરી માટે ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવને મળવા જવાનો હોવાની સચોટ બાતમીને આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચ ગોઠવી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલી મીયા કાદરી, રહે. બંદર રોડ, જામ સલાયા અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ, રહે: મન્નીવાલી, તાલુકા: સાદુલશહર, જીલ્લો: ગંગાનગર,રાજસ્થા નામના શખ્સોને શિરોહી, રાજસ્થાન નજીકથી ઝડપી લીધેલ છે. આ બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્ઝ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્ઝની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવનાઓને કરવાની હોવાનો પણ એટીએસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર, રહે. ફરીદકોટ વાળા વિરુદ્ધ, પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલ છે. અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ માણસ છે. આ ઉપરાંત એટીએસ ટીમને મહત્વની સફળતા રૂપે ડ્રગ્સ કેસના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ, રહે. જોડીયા, જીલ્લો.જામનગર વાળાની પણ આ ગુન્હામાં સંડોવણી હોઈ તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં પકડાયેલ આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો વધુ જથ્થો દેવભૂમી દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત આપતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે આરોપી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, રહે. નાવદ્રા, તાલુકો. જામકલ્યાણપુર, જીલ્લો. દેવભૂમી દ્વારકાના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ.120 કરોડ ગણાય જે મળી આવતા આ જથ્થો કબ્જે કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.