સમસુદીનને હેરોઇન સાચવવા માટે પાંચ લાખ આપવાનું નક્કી થયું હોવાનું ખુલ્યું : ડ્રગ્સનો જથ્થો બોટમાં લાવ્યા કે વાહનમાં ? હેરોઇન કોને સપ્લાય કરવાનું હતું સહિતના મુદ્દે રિમાન્ડની માંગ મોરબી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા ડ્રગ્સના તાર મોરબી સુધી જોડાયેલા હોવાની બાતમીને આધારે ગઈકાલે એટીએસ દ્વારા મોરબીના ઝીંઝુડા ગામે ઓપરેશન હાથ ધરી ત્રણ આરોપીઓને રૂ.593,25 કરોડના 118 કિલોગ્રામ હેરોઇન સાથે ઝડપી લેવાયા બાદ આજે મોરબીની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા નામદાર અદાલતે ત્રણેય આરોપીઓને આગામી તા.28ની નવેમ્બર સુધીના 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ઓપરેશન ઝીંઝુડા પૂર્ણ કરી એટીએસ અને મોરબી એસઓજી ટીમ ગત રાત્રિના ઝીંઝુડા ગામે જેના ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું તેવા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ.37, મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ઉ.વ.39 રહે. બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડીયા અને ગુલામ હુસૈન ઉંમર ભગાડ રહે સલાયા, દેવભૂમી દ્વારકાને લઇ રૂપિયા 593.25 કરોડના 118 કિલોગ્રામ હેરોઇન સાથે મોરબી આવી પહોંચી હતી. દરમિયાન આજે એટીએસ ટિમ દ્વારા ત્રણેય આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો વહાણમાં લાવ્યા કે વાહનમાં ? આ હેરોઇનનો જથ્થો કોને આપવાનો હતો ? હેરોઇન જથ્થો મેળવી કેટલી રકમમાં વેચાણ કરવાનો હતો સહિતના તમામ મુદ્દે આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવી જરૂરી હોય નામદાર અદાલત સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. વધુમાં એટીએસ દ્વારા ડ્રગ્સ કેસના ત્રણેય આરોપીઓને બપોરના સમયે મોરબીની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા અને સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા દેશના યુવાધનને બરબાદ કરી નાખવાના ષડયંત્ર સમાન આ કેસમાં આરોપીઓ કોના ઈશારે કામ કરતા હતા, હેરોઇનનો આ જથ્થો કેવી રીતે ઝીંઝુડા ગામ સુધી લાવ્યા ? આ જથ્થો કોને આપવાનો હતો તે સહિતની બાબતોને લઇ વિસ્તૃત દલીલો કરતા નામદાર અદાલત દ્વારા ત્રણેય આરોપીઓને આગામી તા.28મી નવેમ્બર સુધી રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જેના ઘરે હેરોઇનનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો હતો તેવા ઝીંઝુડા ગામના સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદને આ ડ્રગ્સ સાચવવા બદલ રૂપિયા પાંચ લાખ મળનાર હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉપરાંત આ ડ્રગ્સ પ્રકરણમાં જોડીયાનો મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ મુખ્ય સૂત્રધાર હોવાનું અને ગુલામ ભગાડ જબ્બરનો માણસ હોવાનું તેમજ સમસુદીનની પત્ની જોડિયા ગામની હોય તેણીને જબ્બારે બહેન બનાવી હોવાથી જબ્બાર અને સમસુદીન પરિચયમાં આવ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી રૂપિયા 600 કરોડની કિંમતનું 120 કિલોગ્રામ ડ્રગ્સ હોવાનું જાહેર કરાયું હતું.જેમાં પોલીસ દ્વારા સત્તાવાર ગણતરીના અંતે રૂ.593.25 કરોડની કિંમતનું 118 કિલોગ્રામ હેરોઇન હોવાનું આજે જાહેર થયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..