આમરણ ચોવીસીથી લઈ નવલખી, કચ્છના સીમાડા સુધી દરિયાઈ પેટ્રોલિંગ નામે મીંડું : તંત્રને ખાણખનિજ, કોલસો, દારૂમાં રોકડીમાં જ રસ રૂપિયા 600 કરોડનું ડ્રગ્સ આસાનીથી ઘુસી જાય તો આંતકવાદીઓને ઘૂસતા શું વાર લાગે ? મોરબી : સિરામીક સિટી તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ઉભી કરનાર મોરબી જિલ્લામાં આજે એટીએસએ રૂપિયા 600 કરોડનું ઝડપી લેતા ફરી એક વાર મોરબી વિશ્વફલક ઉપર મોરબીનું નામ ચર્ચાના ચગડોળે ચડ્યું છે. ઔધોગિક નગરીમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની વહીવટી નીતિને કારણે છેલ્લા થોડા સમયમાં એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં પોલીસની શાખ દાવ પર લાગી છે. દિવાળી પૂર્વે જ મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ મોરબીના યુવાનો નશાના ખપ્પરમાં હોમાઇ રહ્યા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો અને જોગનુંજોગ તેના ટૂંકા ગાળામાં જ મોરબી જિલ્લામાંથી એક, બે કે પાંચ નહીં પણ 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઇ છે. આ બાબત ખૂબ જ ગંભીર છે.જો કે દરિયાકાંઠાથી જોડાયેલા મોરબી જિલ્લામાં બંદર હોવા છતાં મરીન પોલીસ સ્ટેશન કે દરિયાઈ પેટ્રોલિંગ માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યારે જો પાકિસ્તાનથી ડ્રગ્સ ઘુસી શકે તો ત્રાસવાદી પણ ઘુસી જાય તેવી સ્થિતિ હોવાનું પણ આજની ઘટના ઉપરથી ફલિત થઈ રહ્યું છે. સિરામીક હબ મોરબી જિલ્લામાં સમૃદ્ધ દરિયાકાંઠો આવેલો છે જામનગર જિલ્લાને જોડતી સીમાંથી શરૂ થતી દરિયાઈ પટ્ટી અંતરિયાળ આમરણ, ઝીંઝુડા, ઉટબેટ શામપર, બોડકી, વરસામેડી, નવલખી સહિતના અનેક ગામો ઉપરાંત માળીયા તાલુકાના અનેક ગામો કચ્છની ખાડી સહિતના દરિયાઈ વિસ્તાર સાથે જોડાયેલા છે. પરંતુ મોરબી જિલ્લાનો દરિયાકાંઠો રેઢો પડ હોય તેવી સ્થિતિ વચ્ચે મરીન પોલીસ મથક કે અન્ય કોઈ પેટ્રોલિંગની વ્યવસ્થા ન હોય ડ્રગ્સ તો ઠીક ત્રાસવાદી પણ ઘુસી જાય તો પણ તંત્રને ખબર પડી શકે તેમ નથી. મોરબી જિલ્લાના દરિયાકાંઠાના ઝીંઝુડા ગામે રવિવારે સાંજથી એટીએસની ટીમો દ્વારા પાકિસ્તાનથી મંગવાયેલ ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝીંઝુડાના સ્થાનિક શખ્સ ઉપરાંત સલાયા અને જોડિયાના શખ્સને દબોચી લઈ 120 કિલોગ્રામ હેરોઇન કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 600 કરોડ કિંમત થાય છે તેટલો જથ્થો કબ્જે કર્યો છે. એટીએસ દ્વારા પાડવામાં આવેલ દરોડો મોરબી પોલીસને ઘણું - ઘણું કહી જાય છે. આશ્ચર્ય જનક બાબત એ પણ છે કે આટલા મોટા દરોડની કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ એસઓજી ટીમ સાથે હોવાનું જણાવી રહ્યા છે પરંતુ એટીએસની સતાવાર પ્રેસનોટમાં મોરબી પોલીસનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આ ઉપરાંત આજે દિવસભર એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે જેમાં પણ સ્થાનિક પોલીસને બહારની તરફે જ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા ત્યારે મોરબી જિલ્લામાં ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઉતરવા છતાં સ્થાનિક પોલીસ અંધારામાં રહે અને એટીએસ દરોડાની કાર્યવાહી કરે તે ખૂબ જ ગંભીર બાબત ગણાઈ રહી છે. નવલખી બંદરે વિદેશી જહાજોની અવર જવર વચ્ચે પોલીસ ગેરહાજર મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર ઉપર કાયમી વિદેશથી કોલસો આયાત થતો હોય ત્યારે આ વ્યૂહાત્મક બંદર ઉપર સુરક્ષા વ્યવસ્થા નામે મીંડું હોવાનું જગજાહેર છે. તમામ નીતિ નિયમોનો ઉલાળીયો કરી અહીં થતા કોલસાના કારોબારની આડમાં કોઈ આંતકવાદી દરિયાઈ માર્ગે ઘુસી આવી ટ્રકમાં આરામથી દેશના કોઈપણ ખૂણે પહોંચી શકે તેવી સ્થિતિ હોવા છતાં આ દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસ તંત્રએ ક્યારેય ગંભીરતા લીધી નથી અને માત્ર કોલસામાંથી થતી કમાણીને જ નજરમાં રાખી રહ્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે. પોલીસને માત્ર દારૂ, જુગાર અને ખનીજ ચોરી કરતા વાહનોમાં જ રસ મોરબી શહેર જિલ્લામાં છેલ્લા બે મહિનામાં નામચીન મમુદાઢીની હત્યા, માજી સુધરાઇ સભ્ય અને તેના પુત્રની બેવડી હત્યા, સરાજાહેર લૂંટ, હથિયારો પકડાવવા સહિતના અનેક ગુન્હાઓ બની રહ્યા છે અને પોલીસની ઢીલી નીતિ ઉપરાંત નિષ્ક્રિયતા પણ નજરે પડી રહી છે ત્યારે 600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં સ્થાનિક પોલીસને બદલે એટીએસે ઓપરેશન કરવું પડ્યું હોય મોરબી પોલીસને દારૂ, જુગાર, કોલસો અને ખાસ કરીને રેતીની ખનીજ ચોરી કરતા તત્વો પાસેથી મલાઈ ખાવામાં જ રસ પડી રહ્યો હોવાની છાપ ઉપસી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..