મોરબી શહેર જિલ્લાના ગરીબ કુટુંબોને સરકારી અનાજ - ચોખાથી વંચિત રાખવાનો ઘાટ મોરબી : મોરબીમાં સરાજાહેર કાળા બજારી કરી કરોડપતિ બની ગયેલા સસ્તા અનાજના વિક્રેતાઓને ફાયદો થાય તેવો એક ફતવો બહાર પાડી એસી ચેમ્બરમાં બેસતા જિલ્લા પુરવઠા અધિકારીએ ઇ- શ્રમિક કાર્ડ ન કઢાવનારા રેશનકાર્ડ ધારકોને અનાજ, ચોખા, ખાંડ નહિ આપવા હુકમ કરતા ચકચાર જાગી છે. અને આ ફતવાને લઈ મોરબીના અસંખ્ય રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોની નોંધણી માટે ઈ- શ્રમિક કાર્ડની યોજના બનાવી છે પરંતુ ખાટલે મોટી ખોટ રૂપે શ્રમિકોની ઇ - શ્રમિક પોર્ટલ ઉપર નોંધણી જ થતી ન હોય લોકો ઇ- શ્રમિક કાર્ડ કઢાવવા ઇચ્છતા હોવા છતાં આવા કાર્ડ નીકળતા નથી. બીજી તરફ ઓનલાઈન ધાંધિયાના કારણે સરકારી ટાર્ગેટ પુરા ન થતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીના જિલ્લામાં જ એસી ચેમ્બરમાં બેસતા જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા વિભાગ ગાંધીનગરની જાણ બહાર ફતવો બહાર પાડી જે રેશનકાર્ડ ધારકે ઇ - શ્રમિક કાર્ડ ન કઢાવ્યું હોય તેમને અનાજ, ચોખા, ખાંડ, મીઠું કે અન્ય ચીજ વસ્તુઓ નહિ આપવામાં આવે તેવો આદેશ કર્યો છે. દરમિયાન મફતનું અનાજ, ચોખા, ખાંડ ખાઈ - ખાઈને ખૂંટિયા બની ગયેલા સસ્તા અનાજના વેપારીઓ જિલ્લા પુરવઠા અધિકારીના આ ફતવાથી ગેલમાં આવી ગયા છે અને મોરબી કલેકટરના નામે દુકાનની બહાર બોર્ડ લગાવી દઈ શ્રમિક કાર્ડ ન કઢાવ્યું હોય તેમને રેશન નહિ મળે તેવી સૂચના આપી ગરીબોના હિસ્સાનું અનાજ ખુલ્લા બજારમાં વેચવા પેરવી પણ કરી લીધી છે. જો કે, આ ફતવા અંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ઇ શ્રમ કાર્ડ કઢાવવું શ્રમિકો માટે જરૂરી હોવાનું જણાવી હું જોવડાવી લઉં છું તેવું જણાવી ગોળ - ગોળ જવાબ આપ્યો હતો. આમ, હલતુર્ત તો મોરબીના રેશનકાર્ડ ધારકો આ બિનજરૂરી ફતવાથી પરેશાન થઈ રહ્યા હોવાનું સ્પષ્ટ બન્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..