મોરબી જિલ્લાના છેવાડાના ગામેથી ઝડપાયેલા રૂ.600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યા બાદ તંત્ર સતર્ક મોરબી : મોરબી જિલ્લાના છેવાડાના ઝીંઝુડા ગામે રૂ. 600 કરોડના ડ્રગ્સ પકડાવવાના પ્રકરણે રાજ્યભરમાં ચકચાર મચાવી છે. આ પ્રકરણનું પાકિસ્તાન કનેક્શન ખુલતા જ તંત્ર સતર્ક બન્યું છે. આ સાથે સેન્ટ્રલ અને સ્ટેટ આઈબી તેમજ કસ્ટમના અધિકારીઓએ ઝીંઝુડા ગામે ધામા નાખીને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. ગુજરાત એ.ટી.એસ.ની ટીમે મોરબી એસઓજી ટીમને સાથે રાખી જીલ્લાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી રૂપિયા 600 કરોડના 120 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરેલ છે.પોલીસની સયુંકત ટીમે 600 કરોડના ડ્રગ્સ સાથે મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ઉ.વ.39 રહે. બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડીયા, જી. જામનગર, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ.37 રહે. ઝીંઝુડા, તા. મોરબી, જી. મોરબી અને ગુલામ હુસૈન ઉંમર ભગાડ રહે સલાયા, દેવભૂમી દ્વારકા વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસની પ્રાથમીક પૂછપરછ દરમ્યાન આ જપ્ત કરેલ માલ, ગુલામ, જબ્બાર તથા ઇસા રાવ રહે. જોડીયા વાળા દ્વારા પાકિસ્તાનના ઝાહિદ બશીર બલોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મગાવેલ હતો જેની ડીલીવરી તેઓએ ઓક્ટોબર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં 23°28'100N and 67°40''00''E ઉપર લીધેલ હતી, અને આ જથ્થો તેઓએ દેવભૂમી દ્વારકાના દરિયા કિનારે કોઇ જગ્યાએ સંતાડેલ હતો જે બાદમાં મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના નવા બની રહેલ મકાનમાં સંતાડેલ હતો. આ ચકચારી કેસમાં સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીએ પણ ઝંપલાવ્યું છે. બન્ને વિભાગોના અધિકારીઓએ ઝીંઝુડા ગામે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે ડ્રગ્સ દરિયા મારફત આવ્યું હોય જામનગરના કસ્ટમના અધિકારીઓ પણ ઝીંઝુડા ગામે પહોંચ્યા છે. તેઓએ પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.