સમગ્ર તપાસ ATS ને હવાલે : આવતીકાલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે રવિવારે બપોરે બાદ ATSની ટીમ મોરબી એસઓજી સાથે ઝીંઝુડા જવા રવાના થઈ હતી, 24 કલાકથી વધુ સમય સુધી ઓપરેશન ઝીંઝુડા ચાલ્યું મોરબી : પાકિસ્તાનથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોકલાયેલ હેરોઇનનો જંગી જથ્થો મોરબી સુધી પહોંચ્યો હોવાની સચોટ બાતમીને આધારે ATS ટીમે ગઈકાલે બપોર બાદથી મોરબી SOG ટીમને સાથે રાખી હાથ ધરેલ ઓપરેશન ઝીંઝુડા આજે 24 કલાક કરતા વધુ સમય બાદ પૂર્ણ કરી રૂપિયા 600 કરોડની કિંમતના 120 કિલોગ્રામ હેરોઇન અને ત્રણેય આરોપી સાથે હાલ ATSનો કાફલો મોરબી પહોંચી ગયો છે. સમગ્ર તપાસનો હવાલો ATS પોતાની પાસે રાખ્યો છે અને આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ કહી શકાય તેવો રૂપિયા 600 કરોડની કિંમતના હેરોઇન ઝડપી લેવાની ઘટનાની ભીતરમાં જોઈએ તો ઓપરેશન ઝીંઝુડાના મૂળિયા સલાયા જ પડ્યા હતા. સલાયમાંથી ઝડપાયેલા ડ્રગ્સ બાદ આરોપીઓએ ડ્રગ્સનો વધુ જથ્થો મોરબી જિલ્લાના ઝીંઝુડા ખાતે છુપાવ્યો હોવાની કબૂલાત આપતા ATS ના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ રવિવારે બપોર બાદ મોરબી આવી પહોંચી હતી અને મોરબી SOG ટીમને સાથે રાખી ઓપરેશન ઝીંઝુડા માટે રવાના થઈ હોવાનું માહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે એનડીપીએસને લગતા કેસમાં પંચરોજકામ સહિતની કાર્યવાહી એકઝ્યુકેટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જ થતી હોય ઝીંઝુડા ગામેથી ઝડપાયેલા ડ્રગ્સના મોટા જથ્થા પ્રકરણમાં લંબાણપૂર્વકની તપાસ ચાલી રહી હતી અને અંદાજે 24 કલાક કરતા પણ વધુ સમયગાળા બાદ આજે રાત્રીના સમયે ત્રણેય આરોપીઓ અને 600 કરોડના ડ્રગ્સ સાથે ATS કાફલો મોરબી આવી પહોંચ્યો હતો અને હવે આવતીકાલે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે નામદાર અદાલત સમક્ષ રજુ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.