જવાહરલાલ નહેરુના બાળકો પ્રત્યેના પ્રેમને કારણે નહેરુની યાદમાં તેમના જન્મદિનને દેશમાં ‘બાળ દિન’ તરીકે ઉજવાય છે 20 નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે. પરંતુ ભારતમાં બાળ દિન 14 નવેમ્બરે ઉજવાય છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના બાળકો પ્રત્યેના પ્રેમને કારણે તેમની યાદમાં નહેરૂના જન્મદિનને ભારતમાં ‘બાળ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. બાળ દિનની ઉજવણીનો હેતુ બાળકોને મોજ કરાવવાનો અને બાળકોને દેશના શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસાવવા જરૂરી અધિકાર આપવાનો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર, 1889માં અલાહાબાદ ખાતે થયો હતો. તેમને બાળકો અતિ પ્રિય હોવાથી તેમનો જન્મદિન ‘બાળદિન’ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો પ્રેમથી “નહેરુચાચા” કહેતા. નહેરુચાચાની યાદમાં એમના જન્મદિવસને “બાળદિન” તરીકે ઊજવવામાં આવે છે. નહેરુચાચાને બાળકો ઉપરાંત ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું. ચાચા નહેરૂ કહેતા કે, “કદાચ મારી પાસે માણસો માટે સમય નથી પરંતુ બાળકો માટે છે. પંડિત નહેરૂ એમ પણ કહેતા કે, આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે. જે રીતે આપણે તેમને ઘડીશું તે રીતે તે રાષ્ટ્રનું નિર્માણ કરશે.” ભારતમાં ઈ. સ. 1964 પહેલા 20 નવેમ્બરે બાળ દિન ઉજવાતો હતો, પરંતુ પંડિત નહેરૂના નિધન બાદ તેમના જન્મદિનની તારીખ નક્કી કરાઈ. ચાચા નહેરૂને બાળકો પ્રત્યે અપાર પ્રેમ હોવાથી સર્વસહમતિથી આ નિર્ણય લેવાયો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ કૉંગ્રેસ પક્ષે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ ૧૯૫૨માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિતાઈ આવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. બિન-જોડાણ અભિયાન (નોન-અલાઈન્ડ ચળવળ)ના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની વ્યકિત રહ્યા હતા. સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી નેહરુ, ફેબિઅન સમાજવાદ અને જાહેર ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા. ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નેહરુને પ્રાપ્ત થયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..