દર્દીઓ માટેની લિફ્ટનો સ્ટાફ દ્વારા ઉપયોગ કરતા હોવાથી ઇમરજન્સી દર્દીઓ સ્ટ્રેચરને બદલે પગપાળા બેડ સુધી પહોંચે છે !! મોરબી : મોરબી જિલ્લા કક્ષાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં સુવિધા માટે જાણે નામ બડે ઔર દર્શન ખોટે જેવી ગંભીર હાલત છે.હોસ્પિટલમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ આ હોસ્પિટલમાં એક ખામી શોધો ત્યાં અનેક મળે છે. સિવિલમાં સમ ખાવા પૂરતી પણ સુવિધા નથી. આટલું ઓછું હોય એમ હોસ્પિટલ તંત્રનો અધેર વહીવટ અને તબીબો સહિતના સ્ટાફના માનવતા વિહોણો અભિગમને કારણે ગરીબ દર્દીઓ બિચારા બાપડા બનીને રહી ગયા છે. અનેક કિસ્સામાં હરતા ફરતા બાટલા ચડાવી દર્દીને પગપાળા બેડ સુધી રવાના કરી દેવાતા હોવાના દ્રશ્યો પણ સામાન્ય બન્યા છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોઈપણ દર્દીઓ સારવાર લેવા આવે અને ડોક્ટર પાસે નિદાન કરાવ્યા બાદ એ દર્દીઓને હોસ્પિટલના અન્ય વોર્ડમાં દાખલ કરવાની જરૂરિયાત જણાય તો એના માટે સ્ટ્રેચરની વ્યવસ્થા છે. પણ હોસ્પિટલ તંત્ર એટલી હદે બેપરવાહ બની જાય છે કે આવા ગંભીર દર્દીઓને સ્ટ્રેચરની સુવિધા આપવાની જરાય તસ્દી લેતું નથી. પરિણામે દર્દીઓને બાટલા ચડાવ્યા બાદ ઉપરના વોર્ડમાં દાખલ થવા માટે બાટલા હાથમાં લઈને ચાલીને જ જવું પડે છે.જો કે વોર્ડમાં એટલે દાખલ કરવા પડે છે કે આ દર્દીઓની હાલત ગંભીર હોય છે એ વાત તંત્ર અને સ્ટાફ સૂપરે જાણતા હોવા છતાં દર્દીઓ સાથે માનવતા વિહોણો અભિગમ દાખવીને દર્દીઓને રખડતા ભટકતા મૂકીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી નાખે છે. સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ માત્ર ઇમરજન્સી દર્દીઓના ઉપયોગ માટે અનામત રખાય છે. આમ છતાં હોસ્પિટલના સ્ટાફ અને અન્ય લાગતા વળગતા લોકો બિનજરૂરી કામે ઉપયોગ કરે છે.જેથી ઇમરજન્સી દર્દીઓને ઉપરના વોર્ડમાં જવા માટે લિફ્ટની કલાકો સુધી રાહ જોવી પડે છે. આજે પણ હોસ્પિટલના સ્ટાફે લિફ્ટનો ઉપયોગ કરતા બે ઇમરજન્સી દર્દીઓને લિફ્ટ માટે ખાસ્સો સમય સુધી રાહ જોવી પડી હતી.આ ઉપરાંત લિફ્ટ વારંવાર ખોટકાઈ જાય છે. ગમે ત્યારે લિફ્ટ બંધ થઈ જતી હોય અને મન મરજી પડે ત્યારે લિફ્ટ ફરીથી ચાલુ કરાઈ છે. આ લિફ્ટ ચાલુ થયા બાદ પણ થોડા દિવસોમાં ફરી અટકી પડે છે. આવી લોલમલોલને કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.તેમજ હોસ્પિટલમાં ગટર ઉભરાતી હોય દર્દીઓ સાજા થવાને બદલે વધુ માંદા પડે તેવી ગંભીર સ્થિતિ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..