ગૌરવવંતા ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સંવત 2078નો આજથી શુભારંભ! ગૌરવવંતા ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સંવત 2078નો આજથી શુભારંભ થયો છે. આજે વિક્રમ સંવત બદલાયું. ફરી એક વખત નવું વર્ષ આવ્યું. હર વર્ષની જેમ જ! થોડા દિવસમાં આ વર્ષ પણ જૂનું થઈ જશે. હર વર્ષની જેમ જ! જીવન એક ઢાળમાં જીવાતુ થઈ જશે. વીતેલાં વર્ષોની જેમ જ! નવું બધું રોજીંદુ બની જૂનું થઈ જશે. પણ આમ ના બને તે માટે નવા વર્ષને લઇને જે ઉમંગ છે તેને સતત ઉછેરતાં રહેવું પડશે. ઘરની બહાર કાઢેલા કકળાટને કાયમી પ્રવેશ નિષેધ આપવો પડશે. ફુલજરીની જેમ શોર કર્યા વિના આગળ વધતા શીખવું પડશે. દરેક ચોઘડિયા શુભ-લાભમાં ફેરવાય તેવી આશાને સાચવી રાખવી પડશે. ઉંબરે આસોપાલવનાં તોરણની સાથે આદર-સત્કારનું તોરણ સજાવી સ્નેહનું શુકન કરવું પડશે. આંગણે કરેલી રંગોની રંગોળીની જેમ જીવનના અનેક રંગોને સ્વીકારવા પડશે. અને તે રંગોથી પાળીએ પ્રગટાવેલાં દિપની જેમ ઝળહળતું રહેવું પડશે. જો આ બધું શકય ના હોય તો અન્યએ પાઠવેલી શુભેચ્છાનાં સહારે સમયને આધીન બની રહેવું પડશે. નવા વર્ષની જેમ જ! જીવનમાં નવા વર્ષ અનેક આવશે. પણ જિંદગી તો એક જ વાર મળશે. એટલે બાકી રહેલી મહામૂલી જિંદગીને જીવી નાખવા લાયક નહીં પણ માણવા લાયક બનાવવી હોય તો લાઈફમાં સ્વીટનેસ અનબોક્સ કરવા અને હેપીનેસ અટેચ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે, નવું વર્ષ મળ્યું છે. જેની દરેક ક્ષણને ઉત્સવની જેમ ઉજવીએ અને કવિ અંકિત ત્રિવેદીની આ પંક્તિ સાર્થક કરીએ. ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું, પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું, લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય, એને નવું વર્ષ કહેવાય. (શીર્ષક પંક્તિ : રઈશ મણિયાર) ~ માર્ગી મહેતા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..