ઘરધણી સવારે છેક જાગ્યા ત્યારે ખબર પડી કે ઘર સાફ થઈ ગયું ! મોરબી : મોરબીના નાની વાવડી ગામે ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોને ધનતેરસની રાત્રે જ રૂ.50 હજાર સોના ચાંદીના દાગીના સહિતનો ધનલાભ થયો હતો. જો કે, તસ્કરોએ ઘરઘણીને નીચેના રૂમમાં સુતા રાખી ઉપરના માળે ચોરી કરી હતી અને ઘરધણી સવારે છેક જાગ્યા ત્યારે ખબર પડી કે ઘર સાફ થઈ ગયું છે. મોરબીના નાની વાવડી ગામે દશામાંના મંદિર સામે આવેલ ખોડિયાર સોસાયટી જમ્બો પાર્કમાં રહેતા કમલેશભાઈ પ્રફુલભાઈ વાણંદના મકાનમાં ગઈકાલે ધનતેરસની રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો ગતરાત્રીના આશરે 2 વાગ્યાની આસપાસ તેમના મકાનના ઉપરના રૂમમાં પ્રવેશી કબાટ ખોલી તેમાં રહેલા આશરે રૂ.40 થી 50 હજાર તેમજ સીના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે આજે તેઓએ મોરબી તાલુકા પીએસઆઇને લેખિતમાં ફરિયાદ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલ દિવાળી નિમિતે મકાનમાં રીનોવેશનનું કામકાજ ચાલતું હોય નીચેના મકાનનો સર સામન, રોકડ દાગીના બધું જ ઉપરના રૂમમાં રાખ્યું હતું.આથી તસ્કરોએ આ ઉપરના રૂમને નિશાન બનાવીને તેમજ ઘરધણીને નીચેના રૂમમાં જ સુતા રાખીને માલમતા ઉસેડી ગયા હતા.જો કે પાડોશમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા મળી ન હતી.જ્યારે સવારે ઘરધણી ઉઠ્યા ત્યારે ઘર સાફ થઈ ગયાની ખબર પડી હતી.