હળવદ વેગડવાવ ગામના ખેડૂતના આપઘાત પ્રકરણમાં મોડીરાત્રી સુધી મૃતદેહ ન સ્વિકારતા અંતે ફરિયાદ દાખલ હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત પાસેથી મફતના ભાવે કપાસ જોખવી લેનાર વ્યાજખોરના ત્રાસથી કંટાળી વૃદ્ધ ખેડૂતે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવમાં મોડીરાત્રી સુધી મૃતદેહ ન સ્વીકારવામાં આવતા અંતે પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદના વેગડવાવ ગામના ખેડૂતે હળવદ જીઆઇડીસી પાછળ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા આ મામલે તેમના પુત્ર પ્રકાશભાઈ મનજીભાઈ સોનગ્રાએ આપઘાત પાછળ વ્યાજખોર જવાબદાર હોવાનું જાહેર કર્યું હતું. જો કે આમછતાં પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો દાખલ ન કરતા મૃતક મનજીભાઈનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો. દરમિયાન મોડીરાત્રે હળવદ પોલીસે પ્રકાશભાઈ મનજીભાઈ સોનગ્રાની ફરિયાદને આધારે (૧) જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી રહે. લીલાપર તા.હળવદ (૨) રાયમલભાઈ ભગવાનજીભાઈ કોળી રહે.જુના વેગડવાવ તથા (૩) નારાયનભાઈ કુબેરભાઈ દલવાડી રહે. લીલાપર તા.હળવદ વાળા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. વધુમાં મૃતક મનજીભાઈએ જેરામભાઈ દલવાડી પાસેથી આરોપી રાયમલ અને નારાયણને રૂપિયા વ્યાજે અપાવ્યા હોય વ્યાજખોર દ્વારા મનજીભાઈને પરેશાન કરાતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ કેસમાં પોલીસે મૃતક મનજીભાઈના પુત્ર પ્રકાશભાઈની ફરિયાદને આધારે વ્યાજખોર જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬,૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..