કોલસા ભરેલ ટ્રક ચાલકે હડફેટે લેતા કપાસ વીણી પરત ફરતા શ્રમિકોની દિવાળી બગડી : હોસ્પિટલમાં દોડભાગ મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર નજીક સાંજના સમયે કોલસા ભરેલા ટ્રેલર ચાલકે હડફેટે લેતા ટ્રેક્ટર પલટી ગયું હતું અને આ ટ્રેકટરમાં બેઠેલા કપાસ વીણવાની મજૂરી કરતા 13 શ્રમિકને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નવલખી બંદરેથી કોલસો ભરીને મોરબી તરફ આવતા ટ્રેલરે આગળ જઈ રહેલા શ્રમિકો અને કપાસ ભરેલ ટ્રેક્ટરને રોકડીયા હનુમાનજી મંદિર નજીક હડફેટે લેતા ટ્રેકટરમાં બેઠેલા 15 પૈકી 13 શ્રમિકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં શિલ્પાબેન જીવરાજભાઈ અગેચણિયા, લાભુબેન સાદુરભાઈ અગેચણિયા, મીનાબેન દિનેશભાઇ ઉપસડીયા, તેજલબેન મહેશભાઈ ઉપસડીયા, નિલેશ દિનેશભાઇ ઉપસડીયા, ભગવતીબેન ચુનીલાલ ઉપસડીયા, પૂજા રસિકભાઈ ઉપસડીયા સહિતના 13 લોકોને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાંજના સમયે નવલખી રોડ ઉપર સર્જાયેલ આ અકસ્માતને કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.