ધનતેરસે લોકો સોનાની શુકનવંતી ખરીદી કરી સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મી માતાની પૂજા કરી મોરબી : અંધકારને દૂર કરી ઉજાસને પાથરવાના પર્વ અને તહેવારોના મહારાજા ગણાતા દીપાવલીના તહેવારોની શ્રુખલાનો પ્રારંભ થતા દરેક હૈયામાં ઉમગ ઉલ્લાસ ઝળહળી ઉઠ્યો છે. તેમાંય આજે ધનતેરસે મોરબીની બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. લક્ષ્મીજીની સદાય કૃપા રહે તે માટે તેમની શુકનવતી સોના-ચાંદીની ખરીદી કરી તેમની પૂજા કરવાનો મહિમા ધરાવતા ધનતેરસે સોના ચાંદીની બજારોમાં લોકોએ ખરીદી માટે પડાપડી કરી હતી અને સોની વેપારીઓને ધનતેરસ ફળી હોય એમ 10 કરોડથી વધુનો વેપાર થયાનો અંદાજ છે. મોરબીમાં ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોનાની સ્થિતિ એકદમ અંકુશમાં હોવાથી લોકો દિવાળીની ઉજવણીમાં કોઈ કસર છોડવા માંગતા ન હોય તેમ શોપિંગ પર તૂટી પડતા બજારો ઉભરાઈ ગઈ છે. છેલ્લા ચારેક દિવસથી ઉત્તરોત્તર કપડાં, જવેલરી, બુટ ચંપલ, ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ, રંગોળીના કલર, મીઠાઈ, ફરસાણ, ફટાકડામાં ખરીદી જામી રહી છે. તેમાંય આજે લાભકારક ધનતેરસે સોના ચાંદી સહિતની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં આજે પગ મુકવાની પણ જગ્યા ન રહી હોય તે હદે ભીડ ઉમટી પડી હતી. જ્યારે ગ્રીન ચોકમાં આવેલી આખી સોની બજાર સાંજે સતત લોકોથી ધમધમી ઉઠી હતી. મોરબીમાં અંદાજે 150 થી વધુ સોના ચાંદીની દુકાનો આવેલી છે. આ દરેક સોનાની દુકાનોમાં આજે ધનતેરસે ખરીદી થઈ હતી. સોની વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે આજે 10 કરોડથી વધુનો વેપાર થયો હતો. ગયા વર્ષે કોરોનાને કારણે સોની વેપારીઓની દિવાળી બગડી હતી. પણ આ વખતે સ્થિતિ સારી હોય લોકોએ મન મુકીને ખરીદી કરતા આ વખતે સોની વેપારીઓને દિવાળી ફળી હતી. આમ પણ આ વખતે સોનાનો ભાવ ડાઉન હોય દિવાળી ઉપરાંત આગામી લગ્નસરાની મૌસમ માટે પણ સોના ચાંદીના આભૂષણોની ખરીદી થઈ રહી છે. આજે ધનતેરસે લોકોએ શુકનવતી સોના ચાંદીની ખરીદી કરી સદાય સુખ સમૃદ્ધિ રહે તે માટે લક્ષ્મી માતાજીની પૂજા અર્ચના કરી હતી. જ્યારે ભીડને પગલે પોલીસે નહેરુ ગેઇટ ચોક સહિતના બજાર વિસ્તારમાં ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા કરી હતી.