પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. 500, રૂ. 300, રૂ. 200 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા, કાવ્યગાન, નિબંધ લેખન, અને વકતૃત્વને આધારે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે આઝાદી કા અમ્રુત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે..જેમાં મોરબીની ડી જે પટેલ કન્યા વિદ્યાલય ખાતે કલા ઉત્સવ ઉજવાયો હતો. શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ એ જાવિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના કલા ઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવી કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ વિશેની ચિત્ર સ્પર્ધા, ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય અને શૌર્ય ગીત વિશેની કાવ્યગાન સ્પર્ધા, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની સ્થાનિક કથાઓ વિષય પર નિબંધ લેખન અને સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને તા. ૩૦/૧૦/૨૦૨૧ના શનીવારના ડી જે પટેલ કન્યા વિદ્યાલય, મોરબી ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીની તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક સ્પર્ધામાથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. 500, રૂ. 300, રૂ. 200 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કલા ઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં જુદી જુદી સ્કૂલોના 12 શિક્ષક ભાઈઓ - બહેનોએ નિર્ણાયક તરીકે કામગીરી કરેલ. કલા ઉત્સવમાં કન્યા છાત્રાલયના ટ્રસ્ટીશ્રીઓ બેચરભાઈ હોથી અને વલમજીભાઇ અમૃતિયા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ. ઇ. આઈ. અને લાઈઝન શૈલેશભાઈ મેરજા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય નિતાબેન મેરજા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન SVS કન્વીનર સંજીવભાઈ જાવિયા અને સહ કન્વીનર ધર્મેન્દ્રભાઈ વિરમગામા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.