સાડા ચાર કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેલવાયો : આગની ઘટનામાં રાજકીય રંગ, કોંગી ધારાસભ્ય- કોંગ્રેસ પ્રમુખ અને ભાજપના મંત્રી પણ બનાવ સ્થળે પહોંચ્યા મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાગેલી ભીષણ આગ અંતે સાડા ચાટ કલાકની મહામહેનત બાદ કાબુમાં આવી છે. આ આગમાં 10 હજાર મણથી વધુ કપાસ બળીને ખાખ થઈ ગયો હોય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખેડૂતોને આર્થિક સુરક્ષા કવચ આપવાની જાહેરાત કરી છે. જો કે આ આગની ઘટનામાં રાજકીય રંગ પણ જોવા મળ્યો હતો. કોંગી ધારાસભ્ય- કોંગ્રેસ પ્રમુખ અને ભાજપના મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે બે વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલ કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને કપાસના પ્લેટફોર્મ ઉપર પડેલ તમામ જથ્થો આગની ચપેટમાં આવી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોનો કપાસ લોડર મારફતે ફેરવવામાં આવી રહ્યો હોય ત્યારે લોડરના જમીન સાથેના ઘર્ષણને કારણે આગ લાગ્યાનું મનાઈ રહ્યું છે.આ આગને લીધે અંદાજે 10 હજાર મણથી વધુ કપાસનો જથ્થો આ આગમાં ભસ્મીભૂત થઈ ગયો છે. આગ લાગ્યાને સાડા ચાર કલાક સુધી ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવતા અંતે સાંજે 6:30 વાગ્યે આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો. આ આગની દુર્ઘટનાને રાજકીય રંગ પણ લાગ્યો હતો. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને શહેર પ્રમુખ જયંતીલાલ પટેલ તો ભાજપ તરફથી મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ઘટના સ્થળે નિવેદનમાં જણાવ્યુ કે પ્રથમ વખત માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગનો બનાવ બન્યો છે. જે ખેડૂતોનો કપાસ છે. તેઓને આર્થિક નુકસાન ન થાય તેની યાર્ડ અને રાજ્ય સરકાર સાવચેતી રાખશે અને પૂરેપૂરું આર્થીક સુરક્ષા કવચ આપશે. જો કે આ મુદ્દે ભવિષ્યમાં રાજકીય વિવાદ વધે તેવી શક્યતા છે.