સરપંચ દ્વારા સતાનો દુરઉપયોગ કરાતા ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય દ્વારા ફરિયાદ : હાઇકોર્ટમાં જવા ચીમકી મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સતાનો દુરઉપયોગ કરી ગ્રામપંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપી દેવા પ્રકરણમાં એકાદ વર્ષ બાદ પણ ગેરકાયદે બાંધકામ અટકાવવામાં ન આવવાની સાથે સરપંચ વિરુદ્ધ પગલાં ભરવામાં ન આવતા આજે જાંબુડિયા ગ્રામ પંચાયતના સદસ્ય ટપુબેન ખોડાભાઈ પાંચિયા દ્વારા જિલ્લા કલકટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારિઓ વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી હાઇકોર્ટમાં જવા ચીમકી ઉચ્ચારવામા આવી છે. જાંબુડિયા ગામના ગ્રામપંચાયતના સદસ્યા ટપુબેન ખોડાભાઈ પાંચિયા દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધી પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે, જાંબુડિયા ગામના સરપંચ દ્વારા સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર રેવન્યુ સર્વે નંબર 114/1પૈકી 10પૈકી 1ની જમીનમાં અક્ષર બિલ્ડરને ગેરકાયદેસર રીતે બાંધકામ પરવાનગી આપવામાં આવી હોવાની ફરિયાદ કરાતા એકાદ વર્ષ પૂર્વે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી પાસે સમગ્ર બાબતે અહેવાલ મંગાવવામાં આવ્યો હતો અને તલાટી કમ મંત્રી દ્વારા પણ વિસ્તૃત અહેવાલ કરી ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા અંગે નોટિસ ફટકારી આ અંગેનો અહેવાલ મોકલવા આવ્યો હતો પરંતુ કોઈપણ કારણોસર આજદિન સુધી ગેરકાયદે બાંધકામ મંજૂરી આપનાર સરપંચ અને બિલ્ડર વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પગલાં ભરવામાં ન આવતા હજુ પણ આ ગેરકાયદે બાંધકામ ધમધમી રહ્યું છે. બીજી તરફ જાંબુડિયા ગામમાં સરપંચ અને અન્ય અધિકારીઓના આશીર્વાદથી આ ગેરકાયદે બાંધકામને છવરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવાની સાથે આ બાબતે મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવી આજે જાંબુડિયા ગ્રામ પંચાયતના સદસ્યા ટપુબેન ખોડાભાઈ પાંચિયા દ્વારા જિલ્લા કલકટરને આવેદનરૂપી ફરિયાદ કરી ત્વરિત કડક પગલાં ભરવાની માંગ સાથે સમગ્ર મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા ચીમકી આપવામાં આવતા આગામી સમયમાં નવાજૂની થવાના સંકેતો મળી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..