ગઈકાલે ધ્રાંગધ્રા ગેઇટ બાદ આજે જીઆઇડીસી વિસ્તારમાં આઠને બટકા ભર્યા : એક પાડી અને ગાયને પણ કરડી ગયો હળવદ : હળવદમાં ગઈકાલે હડકાયા કૂતરાએ આંતક મચાવી એક સાથે 23 લોકોને ઉતેળી નાંખ્યા બાદ આજે શુક્રવારે જીઆઇડીસી વિસ્તારને માથે લઇ એક સાથે આઠ લોકોને બટકા ભરી લીધા હતા ઉપરાંત એક પાડી અને ગાયને પણ કરડી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે હળવદમાં માણસો કરતા પશુધન વધારે ભાગ્યશાળી છે કારણ કે, ગઇકાલની જેમ આજે પણ માનવીને સીવીલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી મળી ન હતી. તો સામેપક્ષે ગાય અને પાડીને પશુ દવાખાનેથી હડકવા વિરોધી રસી આપી અબોલ જીવને સારવાર અપાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે શુક્રવારે સાંજના સમયે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં હડકાયા થયેલા શ્વાને લોકોને હડિયાપટ્ટી કરાવી હતી અને આઠેક લોકોને ઉતેળી નાખતા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ મજબુર તંત્રએ હડકવા વિરોધી રસી ન હોય તમામ લોકોને મોરબી ઇન્જેક્શમ માટે રીફર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હળવદના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ આંતક મચાવી 23 લોકોને બટકા ભરી લેતા હડકવા વિરોધી રસીના અભાવે લોકોને મોરબી અને સુરેન્દ્રનગર સુધી દોડતા કર્યા હતા. જો કે, આજે જ હળવદ યુવા ભાજપ અગ્રણીએ સરકારી હોસ્પિટલમાં જરૂરી દવા પહોંચાડવા છે કે આરોગ્ય મંત્રી સુધી રજુઆત કરી હતી તેવા સમયે જ જિલ્લા આરોગ્ય વિભાગની લાપરવાહ નીતિનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.